સોમનાથમાં તા.20 થી 24 નવેમ્બર કાર્તિકી પૂર્ણિમાનો લોકમેળો

તડામાર તૈયારીઓનો પ્રારંભ : ડાયરો સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણ જમાવશે

પ્રથમ જ્યોતિલગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આગામી તા.20થી 24 સુધી બાયપાસ રોડ પર આવેલા સદભાવના મેદાન ખાતે કાર્તિકી પૂર્ણિમાનો મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ધાર્મિક આસ્થા સાથે લોકસંસ્કૃતિ, પરંપરા અને પ્રવાસનનો સમન્વય કરતો આ મેળો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને આકર્ષશે.
આ મેળો સોમનાથ ટ્રસ્ટના ઉપક્રમે 1955ની સાલથી યોજવાની પરંપરા ઉભી કરી છે. એક માન્યતા મુજબ સોમનાથ મહામેરૂ પ્રસાદના શિખર પર પૂર્ણિમાની મધ્ય રાત્રિએ ચંદ્ર એવી રીતે સીધી લીટીમાં સ્થિત થાય છે કે જાણે કે સોમનાથ મહાદેવે ચંદ્રને મુગટ સ્વરૂપે ધારણ કર્યો હોય. મેળામાં અંદાજે 240થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવશે. સ્થાનિક હસ્તકલા, પરંપરાગત વસ્તુઓ, ખાણીપીણી અને વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ મુલાકાતીઓને આકર્ષશે. મેળાના સ્થળે દરરોજ રાત્રે ડાયરા સહિતના લોકસંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
કાર્તિકી પૂર્ણિમા ની રાત્રે 12 વાગ્યે સોમનાથ મહાદેવના મહાપૂજન અને મહાઆરતીનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. મહાદેવનાં દર્શન અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતા છે. આ પ્રસંગે મંદિર પરિસર અને મેળાના સ્થળે ભક્તોની સુવિધા માટે જરૂરી વ્યવસ્થાઓ ઊર્ભી કરવામાં
આવશે, જેમાં ખાનપાન, રમકડા, રાઈડ્સ, ઠંડા પીણા આઈસક્રીમ સ્ટોલનો સમાવેશ થાય છે. મેળાના આયોજનમાં સુરક્ષા, સ્વચ્છતા, ભીડનું નિયંત્રણ અને મુલાકાતીઓની સુવિધા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. મેળા વિસ્તારમાં સ્ટોલ ઉપરાંત વિવિધ પ્રવૃત્તિઓ માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક વેપારીઓ અને કારીગરોને વેચાણની તક મળવાની સાથે પ્રવાસન પ્રવૃત્તિઓને પણ વેગ મળવાની આશા છે. સ્ટેન્ડબાય જનરેટર, મેડિકલ ટીમ, ફાયર બ્રિગેડ, સીસીટીવી કેમેરાઓ અને વિશાળ પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.

રિલેટેડ ન્યૂઝ