તાલાલાના ઉમરેઠી ગીરમાં ઇન્ડિયન રેયોન કંપનીના દબાણની તપાસ કરવા માંગ

સરપંચ, ગ્રામજનોએ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યો

તાલાલા તાલુકાનાં ઉમરેઠી ગીર ગ્રામ પંચાયતની જમીન ઉપર ઈન્ડિયન રેયોન કંપનીને સરકારે આપેલ જમીન કરતાં વધારે જમીન ઉપર જમાવેલ ગેરકાયદેસર કબ્જા ની તપાસ કરી વધારાનું દબાણ તાકિદે દુર કરવા ગ્રામજનોએ માંગણી કરી છે.
ઉમરેઠી ગીર ગામના સરપંચ જયદીપભાઈ જોટવા ની આગેવાની હેઠળ મામલતદાર ને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ઉમરેઠી ગીર ગામમાં હિરણ-2 ડેમમાંથી ઈન્ડિયન રેયોન કંપની દ્વારા પાણીનો ઉપાડ કરવામાં આવે છે…આ કામગીરી માટે સરકારશ્રી દ્વારા કંપનીને માત્ર નવ ગુંઠા જમીન પંપ હાઉસ તથા આનુષંગિક બાંધકામ માટે એક જ સ્થળે આપવામાં આવેલ છે… પરંતુ ફાળવેલ જમીન કરતાં વધુ અલગ અલગ સ્થળોએ અંદાજે દશ વિઘા જમીન ઉપર કંપની દ્વારા બાંધકામ કરવામાં આવેલ છે જે ગેરકાયદેસર હોય આ અંગે તુરંત તપાસ કરવા ગ્રામજનોએ માંગણી કરી છે.
આવેદનપત્રમાં ઉમેર્યું છે કે કંપની દ્વારા ગામની જમીનમાં ખોદવામાં આવેલ કુવો 7/12 અને 8-અ નાં ઉતારામાં દર્શાવેલ છે પરંતુ ગ્રામ પંચાયતના રેકર્ડ નમુના નં.16 માં તેની કોઈ નોંધ નથી. ગ્રામ પંચાયતે આર.ટી.આઈ હેઠળ મામલતદાર કચેરીએ આપેલ જવાબ મુજબ પણ કુવા માટે કોઈ મંજૂરી આપવામાં આવેલ નથી..આ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભામાં ઠરાવ કરી કંપની પાસે જમીન ફાળવણી,બાંધકામ તથા મંજૂરી સંબંધિત દસ્તાવેજો માંગવામાં આવ્યા હોવા છતાં કંપની દ્વારા કોઈ માહિતી કે દસ્તાવેજો ગ્રામ પંચાયતમાં રજૂ કરેલ નથી… ગ્રામ પંચાયતની સ્પષ્ટ અને મક્કમ માંગણી છે કે મામલતદાર દશ દિવસની અંદર સ્થળ પર આવી ફાળવેલ નવ ગુંઠા જમીનની સત્તાવાર માપણી તથા અલગ-અલગ સ્થળોએ થયેલ બાંધકામ અને મંજૂરીની શરતો તથા કુવાની કાયદેસરતા અંગે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.. જો ગેરકાયદેસર દબાણ કે નિયમભંગ સાબિત થાય તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી અને કરેલ કાર્યવાહી ની વિગતો ગ્રામ પંચાયતને આપવા આવેદનપત્ર ના અંતમાં ગ્રામજનોએ માંગણી કરી છે.
દશ દિવસમાં તપાસ થશે નહીં તો લોક લડત શરૂ થશે
ઉમરેઠી ગીર ગ્રામજનો ની માંગણી પ્રમાણે દશ દિવસની અંદર સ્થળ તપાસ હાથ ધરવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત ગ્રામજનો ને સાથે મળીને લોકશાહી ઢબે શાંતિપૂર્ણ ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે યોગ્ય ન્યાય માટે લોક લડતના મંડાણ કરશે તેમ સરપંચે જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ