મેનેજર અને શિફ્ટ ઇન્ચાર્જ પર હથિયારોથી હુમલાનો આરોપ
ગીર સોમનાથ જિલ્લાના સુંદરપરા ટોલનાકા નજીક થયેલા મારામારી અને ગંભીર ઇજાના ગુનામાં મુખ્ય આરોપી જગમાલભાઈ જાદવભાઈ વાળાની જામીન અરજી વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. પોલીસ દ્વારા રજૂ કરાયેલા પુરાવા, ફરિયાદીના મેડિકલ સર્ટિફિકેટ અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આ નિર્ણય લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ગત તા. 1 અને 2 ઓક્ટોબરના રોજ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ, મારામારી, ગંભીર ઇજા અને ધમકી સહિતની કલમો હેઠળ બે ગુના નોંધાયા હતા. શિવમ ટ્રાન્સપોર્ટનાં વાહનોને ટોલ ચૂકવ્યા વિના પસાર કરાવવા અને ટોલનાકાના કર્મચારીઓ પર ધાક બેસાડવાના ઇરાદે કાવતરું રચ્યાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ, ત્રણ કારમાં આશરે 15 શખ્સો લાકડાના ધોકા, લોખંડના પાઇપ સહિતનાં હથિયારો સાથે આવ્યા હતા. તેમણે ટોલનાકાના મેનેજર અને શિફ્ટ ઇન્ચાર્જની કાર રસ્તામાં અટકાવી હુમલો કર્યો હતો. આ દરમિયાન કારનાં કાચ તોડીને નુકસાન પહોંચાડવા ઉપરાંત બંનેને માર મારવામાં આવ્યો હતો. જેમાં મેનેજરને ગંભીર ઇજાઓ થઈ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે.
તપાસ દરમિયાન જગમાલભાઈ વાળાની બંને ગુનામાં સંડોવણી સામે આવતાં પોલીસે તા. 16 ઓક્ટોબરે તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને જૂનાગઢ જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યા હતા. તપાસ અધિકારી પી.આઈ. જે.કે. મોરીએ કોર્ટમાં જરૂરી પુરાવા અને સોગંદનામું રજૂ કર્યું હતું. જિલ્લા સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈને કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ગુનાની વધુ તપાસ ચાલુ છે.
