ધારી-ફતેપુરા બસ બંધ કરાવ્યા બાદ હવે
અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહી
બગસરા એસ.ટી. ડેપોના અધિકારીની ઢીલી નીતિને કારણે છેલ્લાં ઘણા સમયથી અન્ય ડેપોની બસ બંધ થાય તેવા પ્રયાસો કરવામાં આવતા હોવાથી મુસાફરોમાં આ બાબતે ભારે રોષ ફેલાયો છે. જાણવા મળતી માહિતી મુજબ બગસરાથી વિસાવદર-ફતેપુરા બસ બપોરે 14:00 કલાકે ઉપડે છે. જેથી મુસાફરોને આ બસ આર્શીવાદરૂપ સમાન છે.મુસાફરોના હિતને ધ્યાને રાખી બગસરા ડેપો દ્વારા પણ 14:4પ વાગ્યે ફતેપુરા બસ શરૂ કરી છે. જોકે આ બસનો સમય 14:4પનો હોવા છતાં વિસાવદર-ફતેપરા બસનો ટ્રાફિક તોડવા માટે બગસરા-ફતેપુરા બસ એક કલાક વહેલી પ્લેટફોર્મ પર મુકાઈ જાય છે જેથી વિસાવદર-ફતેપુરા બસનો ટ્રાફિક તોડી શકાય. આ બાબતે વિભાગીય નિયામક, ડી.ટી.ઓ અને ડેપો મેનેજરનું પણ ધ્યાન દોરવામાં આવ્યુ હતુ આમ છતાં ડ્રાઈવરો ડેપો મેનેજરનું ગાંઠતા ન હોવાનું સામે આવ્યું છે.આ અંગે વિસાવદર-ફતેપુરા બસના કર્મચારીઓએ જણાવ્યુ હતું કે, બગસરા ડેપોની બસ એક કલાક વહેલી મુકીને આ બસનો ટ્રાફિક તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પહેલા પણ ધારી-ફતેપુરા બસમાં બગસરાથી રીર્ઝવેશન કરવામાં આવતુ ન હોવાની ફરિયાદો ઉઠી હતી. જેથી મુસાફરોના અભાવે ધારી-ફતેપુરા બસ બંધ થઈ ગઈ હતી તો હવે બગસરા ડેપો દ્વારા અન્ય ડેપોની બસ બંધ કરાવવાનો પ્રયાસ થતો હોવાથી મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે. આ બાબતે અધિકારીઓ જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.
