ધોરાજી એસ.ટી. ડેપોમાં રૂ. 8.83 કરોડના ખર્ચે નવા વર્કશોપનું ખાતમુહૂર્ત

ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સ્ટેશન અને ડ્રાઇવર-કંડકટરો માટે આરામગૃહની સુવિધા મળશે

ધોરાજી એસ.ટી. ડેપોના માળખાકીય વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જૂનાગઢ ડિવિઝન હેઠળ આવતા ધોરાજી એસ.ટી. બસ સ્ટેશન ખાતે રૂ. 8 કરોડ અને 83 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર એસ.ટી. વર્કશોપનું ખાતમુહૂર્ત ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા મુસાફરોને સલામત, સુવિધાયુક્ત અને સમયબદ્ધ પરિવહન સેવા મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ધોરાજીમાં નવા એસ.ટી. વર્કશોપ માટે રૂ. 8.83 કરોડની માતબર રકમ ફાળવી નવનિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે ધોરાજી સહિત આસપાસના વિસ્તારના લોકો માટે મહત્વપૂર્ણ સુવિધા બની રહેશે.
નવા એસ.ટી. વર્કશોપમાં ઇલેક્ટ્રિક બસો માટે ચાર્જિંગ સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. આ ઉપરાંત ડ્રાઇવર અને કંડક્ટરો માટે આરામગૃહની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર થનારા આ વર્કશોપથી બસોની જાળવણી અને ટેકનિકલ કામગીરીમાં સુગમતા આવવાની અપેક્ષા છે.
ખાતમુહૂર્ત પ્રસંગે ધોરાજી નગરપાલિકાનાં પ્રમુખ પાયલબેન ધોળકિયા, કારોબારી ચેરમેન સી.સી. અંટાળા, ઉપપ્રમુખ ચિન્ટુભાઈ કોયાણી, રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ બાલધા, શહેર ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વાગડિયા, યુવા ભાજપના અગ્રણી મહેશ પટેલ, નગરપાલિકા સભ્ય વિજય અંટાળા સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એસ.ટી. વિભાગ તરફથી ધોરાજી ડેપો મેનેજર પી.એલ. ડાંગર, વિભાગીય નિયામક વાસુભાઈ બી. ડાંગર, વિભાગીય યાંત્રિક ઇજનેર એન.બી. વરમોરા, વહીવટી અધિકારી વાય.સી. ઝાલા, બાંધકામ ઇજનેર એ.ડી. મહેતા, સુરક્ષા અધિકારી એસ.એચ. કાનપરા, સ્ટોર ઓફિસર કે.આર. ચુડાસમા, દિલીપ રવિયા, જનકભાઈ દાણીધારિયા, પ્રકાશ ગાલોરિયા, વિનોદ સોંદરવા સહિત ધોરાજી એસ.ટી. ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ