અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સંભારણા દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ કરાયું રક્તદાન

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દર વર્ષે તા. 21 ઓક્ટોબરના રોજ પોલીસ સંભારણા તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે જિલ્લાભરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે પણ પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ, અમરેલી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો ખાતે તા. 21 થી તા. 24 દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રક્તદાન એ મહાદાન છે. ગત વર્ષ 2025 દરમિયાન અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કુલ 1,348 બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી હતી. આ સેવાકીય કાર્યને આગળ ધપાવતા ચાલું વર્ષ 2026 દરમિયાન અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કુલ 1,975 બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી છે, જે માનવસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા નિર્ધારિત લક્ષ્યાંક સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા 255, રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા 208 અને જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન દ્વારા 117 બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી હતી.
આ રક્તદાન કેમ્પ દરમિયાન વિવિધ બ્લડ બેંકોના સહયોગથી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જેમાં રેડ ક્રોસ બ્લડ બેંક, અમરેલી દ્વારા 300, શાંતાબા ગજેરા સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક, અમરેલી દ્વારા 446, વેદ બ્લડ બેંક, અમરેલી દ્વારા 500 તથા કે.કે. મહેતા સરકારી હોસ્પિટલ, સાવરકુંડલા દ્વારા 688 બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ