દીપડાને ઝડપવા વન વિભાગની પાંજરૂ ગોઠવવા કવાયત
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલાની વધુ એક ઘટના સામે આવતાં ચકચાર મચી છે. ખાંભા તાલુકાના સરાકડીયા ગામની સીમ વિસ્તારમાં પોતાની વાડીએ ખુલ્લામાં સૂતેલા ખેડૂત પર દીપડાએ હુમલો કરતાં ખેડૂતને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અચાનક થયેલા હુમલાથી ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલાખોર દીપડાને પકડવા માટે પાંજરાં ગોઠવવાની કવાયત શરૂ કરી હતી.
આ બનાવમાં પ્રાપ્ત વિગતો અનુસાર, ખાંભા તાલુકાના સરાકડીયા ગામની સીમ વિસ્તારમાં ભલાભાઈ ભુવા નામના ખેડૂત ગત રાત્રિના સમયે પોતાની વાડીએ ખુલ્લામાં સૂતા હતા. દરમિયાન અચાનક દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. દીપડાએ ખેડૂતના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેઓ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. ખેડૂતની બૂમાબૂમથી દીપડો તેમને ઇજા પહોંચાડી ત્યાંથી નાસી છૂટ્યો હતો.
દીપડાના હુમલામાં ઘવાયેલા ભલાભાઈ ભુવાને તાત્કાલિક સારવાર માટે ખાંભાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વિસ્તારમાં ફરી કોઈ વ્યક્તિ પર દીપડો હુમલો ન કરે તે માટે તકેદારીના ભાગરૂપે હુમલાખોર દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરાં ગોઠવવાની કવાયત શરૂ કરવામાં આવતાં ગ્રામ્ય વિસ્તારમાં વન્યપ્રાણીની અવરજવર અને માનવ સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે.
ખેડૂત પર દીપડાના હુમલાની આ ઘટનાએ સીમ વિસ્તારમાં ખેતીકામ કરતા ખેડૂતોની સુરક્ષાનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં લાવી દીધો છે. વાડી વિસ્તારમાં રાત્રિના સમયે રહેતા ખેડૂતો અને ખેતમજૂરોની સલામતી માટે વન વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે.
