ગીર ગઢડાના ફાટસર ગામે કૂવામાંથી સિંહણ, નીલગાયના મૃતદેહ મળ્યા

ગીર પૂર્વના વનવિભાગ હેઠળ ગીર ગઢડા તાલુકા ના ફાટસરમાં 55 ફૂટ ઊંડા કૂવામાંથી સિંહણ અને માદા નીલગાયના મૃતદેહ મળ્યા, વન વિભાગે તપાસ હાથ ધરી
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ફાટસર ગામમાં એક વાડીના કૂવામાંથી સિંહણ અને માદા નીલગાયના મૃતદેહ મળી આવતાં વન વિભાગ દોડતું થયું હતું. સાંજે બનેલી આ ઘટનાની જાણ થતાં જ જસાધાર રેન્જના વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બંને વન્યપ્રાણીઓના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગીર પૂર્વ વન વિભાગ, ધારી હેઠળ આવતી જસાધાર રેન્જના ફાટસર ગામના સુકવણ વિસ્તારમાં ધીરુભાઈ કરશનભાઈ વેકરિયાની વાડી આવેલી છે. આ વાડીના કૂવામાં સિંહણ અને નીલગાય પડી હોવાની માહિતી વન વિભાગને મળી હતી. મંગળવારે સાંજે આશરે 6:30 વાગ્યે આ માહિતી મળતાં જ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
મદદનીશ વન સંરક્ષક કપિલ ભાટિયાની હાજરીમાં વન વિભાગની ટીમે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન આશરે 55 ફૂટ ઊંડા કૂવામાંથી અંદાજે 5થી 7 વર્ષની ઉંમરની સિંહણ અને એક માદા નીલગાય મળી આવી હતી. બંને વન્યપ્રાણીઓ કૂવામાં પડેલી હાલતમાં મળી આવતાં વન વિભાગ દ્વારા નિયત પ્રક્રિયા અનુસાર તેમને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.
કૂવામાંથી બહાર કાઢ્યા બાદ સિંહણ અને માદા નીલગાયના મૃતદેહોને વધુ તપાસ તથા પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન આસપાસના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાને આવી નહોતી.
બંને વન્યપ્રાણીઓનાં મૃત્યુ કયા સંજોગોમાં થયાં તે જાણવા પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. ગીર પૂર્વ વન વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ