ખેડૂતો માટે વિશેષ આર્થિક પેકેજ મંજુર કરવા રજૂઆત
ગીર સોમનાથ જિલ્લા ને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતો માટે વિશેષ આર્થિક પેકેજ મંજૂર કરવા સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ છે.
સોમનાથ મતવિસ્તાર સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ વર્ષે નહીવત અને અપૂરતા વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પાક નિષ્ફળ જવાની ભીતિ અને ઘાસચારા ની અછત ને ધ્યાને રાખીને સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ રાજ્ય સરકાર સમક્ષ ગીર સોમનાથ જિલ્લા ને તાત્કાલિક અસરથી ’દુષ્કાળગ્રસ્ત’ જાહેર કરવા અને જગતના તાત માટે વિશેષ આર્થિક પેકેજ મંજૂર કરવા લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે. ધારાસભ્ય એ જણાવ્યું છે કે, વરસાદની ભારે ખેંચ ને કારણે ઉભા પાક સુકાઈ ગયા છે, જેનાથી ખેડૂતો નો બિયારણ, ખાતર અને મજૂરીનો મોંઘીદાટ ખર્ચ માથે પડ્યો છે. આ સાથે જ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા અને પશુઓ માટે ઘાસચારાની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતો અને પશુપાલકો ના હિતમાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ સરકાર સમક્ષ મુખ્ય માંગણી ઓ કરી છે જેમાં ગીર સોમનાથ જિલ્લા અને સોમનાથ મત વિસ્તાર ને સત્તાવાર રીતે અછતગ્રસ્ત અથવા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે, પાક નિષ્ફળ જવાથી આર્થિક પાયમાલી તરફ ધકેલાયેલા ખેડૂતોને મદદ કરવા માટે સરકાર દ્વારા તાત્કાલિક વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવે, ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય સર્વે કરી તાકીદે વળતર આપવામાં આવે અને કૃષિ ધિરાણ માં રાહત આપવામાં આવે, પશુઓ માટે વિનામૂલ્યે કે રાહત દરે ઘાસચારો પૂરો પાડવા ડેપો શરૂ કરવામાં આવે અને ગામડાઓમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા થાય તેમજ ધારાસભ્ય એ ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા આ વિકટ પરિસ્થિતિમાં ખેડૂતોને તાત્કાલિક આર્થિક ટેકો આપવામાં નહીં આવે તો જિલ્લામાં ખેડૂત દેવાના ડુંગર નીચે દબાઈ જશે. ચોમાસું નિષ્ફળ જતાં ઊભી થયેલી આ ગંભીર પરિસ્થિતિને સરકાર યુદ્ધના ધોરણે ધ્યાને લઈ વહેલી તકે હકારાત્મક નિર્ણય કરે તેવી માંગ કરી હોવાનું જણાવેલ છે.
