પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે કર્મચારીઓની તત્પરતા અને માનવીય સંવેદનશીલતાનું એક અત્યંત પ્રશંસનીય ઉદાહરણ સામે આવ્યું છે. 31 ઓક્ટોબરના રોજ ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન પોતાના પરિવારથી વિખૂટી પડી ગયેલી 14 વર્ષીય કિશોરી રાની કુમારીને રેલવે કર્મચારીઓના ત્વરિત સંકલનથી સુરક્ષિત રીતે તેના પરિવારજનો સાથે મેળવી દેવામાં આવી.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, કટિહાર જવા માટે એક પરિવાર વાંકાનેર સ્ટેશને ટ્રેન નંબર 15667માં ચઢી રહ્યો હતો. ભારે ભીડના કારણે 14 વર્ષીય કિશોરી રાની કુમારી તો કોચ એસ-6માં ચઢી ગઈ, પરંતુ તેના માતા-પિતા અને ભાઈ ટ્રેનમાં ચઢી શક્યા નહીં અને ટ્રેન રવાના થઈ ગઈ.
બાળકીના પિતા રાજુ, જે મૂક-બધિર (દિવ્યાંગ) છે, તેમણે વાંકાનેર સ્ટેશનના બુકિંગ કાર્યાલય પહોંચીને ડ્યુટી પર તૈનાત બુકિંગ કર્મચારી શ્રી જૈમીન ત્રિવેદીનો સંપર્ક કર્યો. ત્રિવેદીએ તેમની પરિસ્થિતિ અને બાબતની ગંભીરતાને તુરંત સમજીને સમય ગુમાવ્યા વિના રાજકોટ ડિવિઝનના કોમર્શિયલ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી.
માહિતી મળતાં જ કંટ્રોલ રૂમમાં તૈનાત શ્રી આશિષ મુલુયાણીએ તરત જ સુરેન્દ્રનગર રેલવે સુરક્ષા બળ (છઙઋ) અને સુરેન્દ્રનગરના મુખ્ય ટિકિટ નિરીક્ષક શ્રી એસ. એલ. મીણાને સતર્ક કર્યા. ટ્રેન સુરેન્દ્રનગર પહોંચતા જ સંબંધિત કર્મચારીઓએ એસ-6 કોચમાં સઘન તપાસ કરીને બાળકીને સુરક્ષિત શોધી કાઢી અને તુરંત ફોન પર પરિવારજનો સાથે વાત કરાવીને તેમને ધરપત આપી.
ત્યારબાદ બાળકીને ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ દ્વારા આરપીએફ જવાનોની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે વાંકાનેર લાવી પરિવારજનોને સોંપવામાં આવી.
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ કોમર્શિયલ વિભાગ અને આરપીએફ કર્મચારીઓના આ સંવેદનશીલ અભિગમ, તત્પરતા અને પરસ્પર સંકલનની પ્રશંસા કરી. તેમણે વિશેષ રૂપે વાંકાનેરના બુકિંગ કર્મચારી જૈમીન ત્રિવેદીની સૂઝબૂઝને બિરદાવી હતી.
