રીબડાના પેટ્રોલ પંપ પર ભડાકા કરાવનાર હાર્દિકસિંહે જેલમાં બેઠા-બેઠા આપી ધમકી
રીબડાના અનિરુધ્ધસિંહ જાડેજાના ’રીબડા પેટ્રોલિયમ’ 24 જુલાઈ, 2025ના ફાયરીંગ કરાવનાર ગોંડલ તાલુકામાં જેલમાં બંધ હાર્દિકસિંહે જેલમાંથી જ ફોન તથા વોટ્સઅપ કોલ કરી ફાયરિંગ કેસની ફરિયાદ પાછી ખેંચી લેવા ફરિયાદી અને તેમના મિત્ર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગોંડલ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાતાં પોલીસતંત્રે વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ, ગત 24 જુલાઈ 2025ના રોજ રીબડાના અનિરુધ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું હતું. મૂળ અડવાળના હાર્દિકસિંહે યુપીના શાર્પશૂટર પાસે ફાયરિંગ કરાવ્યા બાદ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી પોલીસને ચેલેન્જ આપી હતી. હાર્દિકસિંહ સાત રાજ્યોમાં ફરાર રહ્યા બાદ કોચીની સ્વામી હોટલ પાસેથી પકડાયો હતો, આ કેસમાં ફરિયાદ નોંધાવનાર સિંધાવદર ગામના વતની અને ખેતી તથા વેપાર સાથે સંકળાયેલા 35 વર્ષીય અજયસિંહ હરશ્ર્યામસિંહ જાડેજાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા નામના શખ્સ સામે લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તારીખ 25/09/ 2026ના રોજ રાત્રે આશરે સાડા નવેક વાગ્યાના સુમારે ફરિયાદી જ્યારે રીબડા ગામે પોતાના કામ અર્થે ગયેલા હતા, ત્યારે તેમના મિત્રના મોબાઇલ પર ેક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન ઉપાડતાં જ સામા છેડેથી વાત કરી રહેલા ગોંડલ જેલમાં બંધ હાર્દિકસિંહ જાડેજાએ ગાળો આપી ધમકી આપી હતી કે, તેં મારા પર ફાયરિંગની જે ફરિયાદ કરી છે તે પાછી ખેંચી લેજે. હું જેલમાંથી પેરોલ જામીન પર આવીશ અને ભાડૂતી શૂટરો રોકીને તમારી ઉપર ફરીથી ફાયરિંગ કરાવીને જાનથી મારી નાખીશ. ત્યારબાદ રાત્રે સાડા દસેક વાગ્યાના અરસામાં અન્ય એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી વોટ્સઅપ કોલ આવ્યો હતો. ફરિયાદીએ સતર્કતા દાખવી બીજા ફોનમાં આ વાતચીતનું રેકોર્ડિંગ કરી લીધું હતું. આ કોલમાં પણ આરોપી હાર્દિકસિંહે ફરિયાદી તેમજ તેમના મિત્ર રાજદિપસિંહ, તેમના પિતા અને દાદાને પણ ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ફાયરિંગ કેસમાં અજયસિંહ જાડેજા મુખ્ય સાક્ષી તરીકે જોડાયેલા છે. આ બાબતનો ખાર રાખીને જેલમાં બંધ આરોપી હાર્દિકસિંહે કેસ પાછો ખેંચાવવા માટે આ ધમકીભર્યા ફોન કર્યા હતા. આરોપી હાર્દિકસિંહ ગંભીર પ્રકારના ખૂન અને ફાયરિંગ જેવા ગુનાઓમાં જેલમાં બંધ હોવાથી અને અત્યંત માથાભારે શખ્સ હોવાથી ફરિયાદી તેના ડરના કારણે અત્યાર સુધી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવ્યા ન હતા. પરંતુ તાજેતરમાં આરોપી હાર્દિકસિંહ જાડેજાના પેરોલ જામીન અદાલત દ્વારા ના-મંજૂર કરવામાં આવતાં, ફરિયાદીએ હિંમત દાખવીને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી પાસે રહેલી કોલ રેકોર્ડિંગની પણ પુરાવા તરીકે પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની આગળની વધુ તપાસ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાજદિપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે. જેલમાં બંધ કેદી પાસે મોબાઇલ ક્યાંથી આવ્યો અને કોલ કેવી રીતે કરવામાં આવ્યો તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે.
