વેરાવળ શહેરમાં આગામી દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખીને સીટી પોલીસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સુરક્ષાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના મુખ્ય બજારો, જાહેર સ્થળો અને રાજમાર્ગ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. પોલીસની આ ફૂટ માર્ચ ના પગલે શહેરમાં સુરક્ષા ની વ્યવસ્થાને લઈને પોલીસ તંત્રની સક્રિયતા જોવા મળી હતી.
વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવી ની આગેવાની હેઠળ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને જવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ માર્ચ કરવામાં આવી હતી. ખાસ કરીને દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન બજારમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે. ત્યારે ભીડભાડવાળા વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને નાગરિકો નિર્ભયતાથી તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.
