ઢળતી સંધ્યાએ ધારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ
દલખાણીયા, ગોવિંદપુર, ફાચરિયા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદથી કપાસ અને મગફળીના પાકને નુકસાનની ભીતિ
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો સિલસિલો યથાવત્ રહેવા સાથે આજે ફરી એક વખત ઢળતી સંધ્યાએ ધારી ગીર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતાં ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે. ધારી શહેરમાં વરસાદી છાંટા પડ્યા હતા, જ્યારે ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધારી શહેર સહિત તાલુકાના દલખાણીયા, ગોવિંદપુર, ફાચરિયા, દેવળા, સરસિયા, જીરા, મુંજાણિયા સહિતનાં ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.એક તરફ ખેડૂતો મોંઘા બિયારણ, ખાતર અને ભારે મહેનત બાદ ખેતરમાં તૈયાર થયેલા પાકને બચાવવા મથામણ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વારંવાર વરસી રહેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન સાબિત થઈ રહ્યો છે.
ખાસ કરીને કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. કમોસમી વરસાદના કારણે ખેતીની જણસને નુકસાન થવાની આશંકા વચ્ચે ધરતીપુત્રોની મુશ્કેલીમાં વધુ એક વખત વધારો થયો છે.
