વડિયાના ખાન ખીજડીયા ગામે ત્રણ શ્ર્વાનો કરડી જતા બાળકીનું કમકમાટી ભર્યું મોત


સિંહ અને દીપડા બાદ હવે શ્ર્વાનો પણ હિંસક બનતા ભયનો માહોલ

  અમરેલી જિલ્લાના વડીયા પંથકમાં શ્વાનોના આતંકનો કરૂણ બનાવ સામે આવ્યો છે. જેમાં ખાન ખીજડીયા ગામની સીમમાં ખેત મજૂરી કામ કરતા પરિવારની એક 7 વર્ષની બાળકી પર ત્રણ શ્વાનોએ જીવલેણ હુમલો કરતાં બાળકીનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. સિંહ અને દીપડાના હુમલાઓ બાદ હવે શ્વાનોના આતંકનો કિસ્સો સામે આવતા ખેડૂતો તથા ખેત મજૂરોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.
 આ બનાવમાં પ્રાપ્ત માહિતી અનુસાર, વડીયા તાલુકાના ખાન ખીજડીયા ગામ નજીક સીમમાં ખેત મજૂરી કામ કરતા પરિવારની એક 7 વર્ષની બાળકી અંજના પ્રકાશભાઈ વાડી વિસ્તારમાં રમતી હતી. તે દરમિયાન અચાનક ત્રણ શ્વાનો બાળકી ઉપર તૂટી પડ્યા હતા. બાળકીના પિતા નજર સામે આ સમગ્ર ઘટના બનતાં દોડી આવ્યા હતા અને શ્વાનોને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી.
        ઘટના બાદ પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા બાળકીને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી, પરંતુ ગંભીર ઇજાઓના કારણે બાળકીનું મોત નીપજ્યું હતું. બનાવને લઈને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
 સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ થોડા દિવસો પહેલાં પણ મૃતક બાળકીની બહેન ઉપર આ જ વિસ્તારમાં શ્વાનોએ હુમલો કર્યો હતો. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. ખેડૂતો અને ખેત મજૂરો દ્વારા તંત્ર પાસે રખડતા તથા હિંસક શ્વાનો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
      આ બનાવ બાદ ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખેતરોમાં કામ કરવા જતાં પરિવારો પોતાના નાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. ગ્રામજનોએ તંત્ર દ્વારા શ્વાનોને પકડવા તથા આવી દુર્ઘટનાઓ અટકાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.

રિલેટેડ ન્યૂઝ