લાઠી સહિત અનેક તાલુકામાં પેટ્રોલપંપ પર ટ્રેક્ટર અને વાહનોની લાંબી લાઇનો, ખેડૂતોમાં ભારે રોષ
અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસોથી સર્જાયેલી ડીઝલની અછતના કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસાય, પેસેન્જર વાહનો તેમજ ખેતીકામ સાથે જોડાયેલા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમરેલી, ધારી, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, વડીયા અને બગસરા બાદ હવે લાઠી ગામે પણ ડીઝલ માટે પેટ્રોલપંપ પર ટ્રેક્ટર અને વાહનોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. ત્યારે એરકંડીશન ઓફિસમાં બેસી સબ સલામતના ગાણા ગાતા કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારી સહિતના લોકોનું મૌન ખેડૂતોને અકળાવે છે.
અમરેલી જિલ્લાનાં લાઠી ગામના પેટ્રોલપંપ પર આજે વહેલી સવારે ડીઝલનો જથ્થો આવી પહોંચતા જ વહેલી સવારથી ખેડૂતો ટ્રેક્ટરમાં કેરબા લઈ લઈને ડીઝલ મેળવવા માટે ઉમટી પડ્યા હતા. કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં ખેડૂતોને માત્ર એક હજાર રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવતું હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
ખેડૂતોનું કહેવું છે કે ખેતીના સીઝન દરમિયાન ડીઝલની ભારે જરૂરિયાત હોય છે, પરંતુ ડીઝલ તથા ખાતરની અછતના કારણે ખેતીકામ ખોરવાઈ રહ્યું છે. જેને લઈ અનેક ખેડૂતોને દિવસનો અડધો સમય માત્ર ડીઝલ તથા ખાતર મેળવવા માટે લાઇનમાં જ પસાર કરવો પડી પડે છે.
લાઠીના ખેડૂત ધરમશીભાઈએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એક બાજુ ખાતર માટે લાઇનમાં ઉભું રહેવું પડે છે. અને બીજી તરફ ડીઝલ માટે ટ્રેક્ટર લઈને કલાકો સુધી રાહ જોવી પડે છે. આવી પરિસ્થિતિમાં ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે.બીજા ખેડૂત સંજયભાઈએ જણાવ્યું હતું કે, વહેલી સવારથી ટ્રેક્ટર લઈને લાઇનમાં ઉભા રહીએ છીએ છતાં માત્ર એક હજાર રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવે છે. ડીઝલ મેળવવા જતાં જ અરધું ડીઝલ તો ડીઝલ મેળવવામાં જ ખર્ચાઈ જાય છે.ડીઝલની અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકોનું પણ કહેવું છે કે ડીઝલના અભાવે વાહનો બંધ રાખવાની સ્થિતિ સર્જાઈ રહી છે. જિલ્લામાં ડીઝલની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા લોકો દ્વારા માંગ ઉઠી રહી છે.