બગસરા : સાર્વજનીક પ્લોટમાં લાઈબ્રેરીનું બાંધકામ અટકાવી રહીશોનો હોબાળો

સાર્વજનિક પ્લોટમાં પાકુ બાંધકામ ન કરી શકાય: નગરપાલિકામાં રજૂઆત

બગસરા શહેરમાં આવેલા ગાયત્રીનગર વિસ્તારમાં સાર્વજનિક પ્લોટ પર આયોજિત લાયબ્રેરીનું બાંધકામ તાત્કાલિક અટકાવવા માટે સ્થાનિક રહીશો દ્વારા બગસરા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને એક લેખિત અરજી આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સોસાયટીનો આ સાર્વજનિક પ્લોટ રહીશોના સામાજિક પ્રસંગો, બાળકોના રમત-ગમત અને મહિલાઓ તેમજ વડીલોના બેસવા માટે રાખવામાં આવ્યો છે. આ ખુલ્લા પ્લોટમાં કોઈપણ જાતનું પાકું બાંધકામ કરવાથી સોસાયટીની મોકળાશ છીનવાઈ જશે અને ભવિષ્યમાં ટ્રાફિક તેમજ અન્ય પ્રાણપ્રશ્નો ઊભા થશે. રહીશોએ આપેલી અરજીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો અને ઠરાવ અનુસાર, સોસાયટીઓના સાર્વજનિક પ્લોટનો ઉપયોગ માત્ર અને માત્ર જાહેર હેતુઓ માટે ખુલ્લી જગ્યા તરીકે જ કરવાનો હોય છે. આવા પ્લોટમાં કોઈપણ પ્રકારનું કાયમી કે પાકું બાંધકામ કરી શકાય નહીં. આમ છતાં, નિયમોને નેવે મૂકીને અહીં લાયબ્રેરીનું બાંધકામ શરૂ કરવાની હિલચાલ થતાં રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગાયત્રીનગરના સાર્વજનિક પ્લોટમાં સૂચિત લાયબ્રેરીનું બાંધકામ તાકીદે બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.સ્થાનિક અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, જો નગરપાલિકા તંત્ર દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ અટકાવવામાં નહીં આવે, તો ગાયત્રીનગર સોસાયટીના તમામ વડીલો, યુવાનો અને મહિલાઓ ભેગા મળીને ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડ્યે કાનૂની આશરો લેશે.

રિલેટેડ ન્યૂઝ