અમરેલી જિલ્લામાં જુનને “મેલેરીયા અને જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવાશે

મચ્છરજન્ય રોગ નિયંત્રણ માટે પગલા લેવાશે

ચોમાસાની આગામી ઋતુને ઘ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે આગોતરા પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે. વર્ષાઋતુ દરમિયાન ઠેર-ઠેર પાણી ભરાવાને કારણે તેમજ ભેજવાળા વાતાવરણને લીધે મચ્છરોની ઉત્પત્તિ માટે ખૂબ જ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતી હોય છે. આ પરિસ્થિતિને અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી અગમચેતીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂન માસને “મેલેરિયા વિરોધી માસ તેમજ જુલાઈ માસને “ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા મેલેરિયા શાખા દ્વારા નાગરિકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા ગંભીર રોગો ફેલાવતા મચ્છરો મોટેભાગે ચોખ્ખા, ખુલ્લા અને બંધિયાર પાણીમાં પોતાના ઈંડા મૂકે છે. જો ઘરોમાં કે ઘરની આસપાસ ક્યાંય પણ બિનજરૂરી પાણીનો ભરાવો થવા ન દેવામાં આવે અને પાણી સંગ્રહ કરવાના તમામ પાત્રોને હવાચુસ્ત ઢાંકણથીઢાંકીને રાખવામાં આવે, તો મચ્છરોની ઉત્પત્તિમાં મોટો ઘટાડો કરી શકાય તેમ છે. સામાન્ય રીતે અગાસી, છત અથવા ફળિયામાં પડેલા જૂના ટાયરો, તૂટેલા-ફૂટેલા વાસણો તેમજ પશુ-પક્ષીઓ માટે રાખવામાં આવેલા કુંડા કે પાત્રોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાથી આપણી જાણ બહાર મચ્છરો મોટા પ્રમાણમાં પેદા થાય છે. આથી, આવી તમામ જગ્યાઓની અઠવાડિયામાં એકવાર ફરજિયાત તપાસ કરી, તેમાં ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરવો અથવા તેને ઢાંકીને રાખવું અત્યંત જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ