અમરેલીમાં ‘ડાયટ સેન્ટર ઓફ એક્સલન્સ’ અંતર્ગત નવા ભવનનું થયું ખાતમુહૂર્તં

અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે રૂપિયા 1.57 કરોડના ખર્ચે અત્યાધુનિક સેન્ટર ઓફ એક્સલન્સ તૈયાર થશે

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત તાલીમ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયટ) ખાતે ડાયટ સેન્ટર ઓફ એક્સલન્સ યોજના અંતર્ગત નવા ભવનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
ડાયટ સેન્ટર ઓફ એક્સલન્સના બીજા તબક્કામાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ અંદાજે એક વર્ષના સમયગાળામાં રૂપિયા 157.60 લાખના ખર્ચે નવા ભવનનું નિર્માણ કરવામાં આવશે. નવા ભવનમાં પાંચ ઓરડા, સેમિનાર હોલ તથા મીટિંગ હોલ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ ભવનનો ઉપયોગ પૂર્વસેવા તાલીમ અંતર્ગત બી.એડ. અભ્યાસક્રમ તેમજ સેવાકાલીન તાલીમ કાર્યક્રમો માટે કરવામાં આવશે. ડાયટ અમરેલી જિલ્લાની એકમાત્ર સરકારી બી.એડ. કોલેજ તરીકે કાર્યરત હોવાથી નવી સુવિધાઓના ઉમેરાથી શિક્ષક તાલીમની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થશે અને શિક્ષણ ક્ષેત્રે વધુ સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે.
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના સર્વાંગી વિકાસ માટે હાથ ધરવામાં આવેલા આ વિકાસકાર્યથી જિલ્લાના ભાવિ શિક્ષકો અને શિક્ષણ વ્યવસ્થાને નવી દિશા મળશે તેમજ તાલીમ વ્યવસ્થાને વધુ મજબૂત આધાર પ્રાપ્ત થશે.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી અમરેલી મહેશ નાકિયા, જિલ્લા શિક્ષણાધિકારી ડી.એમ. ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીયાણી, જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી સોલંકી, ડાયટના આચાર્ય ડો. વ્યાસ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ