ઈન્ટરનેશનલ બની તેમાં મિયાઝાકી કેરીનો આંતરરાષ્ટ્રિય બજારમાં કિલોનોેે ભાવ દોઢથી ત્રણ લાખ
અમરેલી જિલ્લાના ગીર વિસ્તારમાં કેસર કેરી બાદ હવે વિશ્વ પ્રસિદ્ધ જાપાનની મિયાઝાકી કેરીનું સફળ ઉત્પાદન શરૂ થતાં ખેડૂતો અને બાગાયત ક્ષેત્રમાં નવી આશા જાગી છે. ધારી તાલુકાના ગોવિંદપુર ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત નરેન્દ્રભાઈ રમણિકભાઈ વણપરિયાએ પોતાના બગીચામાં મિયાઝાકી કેરીનું સફળ વાવેતર કરીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. નરેન્દ્રભાઈએ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે અને મૂળ રાજકોટના રહેવાસી છે. હાલ તેઓ ગોવિંદપુર ખાતે પાંચ વીઘા જમીનમાં વિવિધ પ્રકારની કેરીનું વાવેતર કરે છે. તેમના બગીચામાં કેસર, બારમાસી સહિત લગભગ 50 જેટલી વિવિધ કેરીની જાતોનું સંવર્ધન કરવામાં આવ્યું છે. આ તમામ જાતોમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી જાપાનની મિયાઝાકી કેરી હાલમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. મિયાઝાકી કેરીના છોડને જીવામૃત, ગોળ, છાશ અને દેશી ખાતર જેવા કુદરતી પોષક તત્વો આપવામાં આવે છે. રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ ટાળીને ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદન મેળવવામાં આવે છે. હાલ ત્રીજા વર્ષે આ છોડમાંથી ઉત્પાદન મળવાનું શરૂ થયું છે. ગયા વર્ષે આશરે 10 કિલોગ્રામ ઉત્પાદન મળ્યું હતું, જ્યારે આ વર્ષે 100 છોડમાંથી અંદાજે 25 કિલોગ્રામ જેટલું ઉત્પાદન પ્રાપ્ત થયું છે. વિશ્વ બજારમાં મિયાઝાકી કેરીને “એગ્સ ઓફ સન” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ગાઢ લાલ રંગની છાલ, ઉત્તમ મીઠાશ અને વિશિષ્ટ ગુણવત્તાને કારણે આંતર રાષ્ટ્રીય બજારમાં તેની ભારે માંગ છે. આ કેરીનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 1.50 લાખથી લઈને રૂ. 3 લાખ સુધી પહોંચે છે. તેથી તેને દુનિયાની સૌથી મોંઘી કેરીઓમાં સ્થાન મળ્યું છે.
