ધારી નજીક આવેલ વેકરીયાપરા વિસ્તારમાં ગઈકાલે અરવિંદભાઈ સમજુભાઈ ભુવા તથા તેમના ભાઈ નનુભાઈ નામના બે ખેડૂતો પર થયેલા હિચકારા હુમલાના મામલે ધારી પંથકમાં ભારે રાજકીય અને સામાજિક પ્રતિક્રિયાઓ વચ્ચે ધારી પોલીસ એક્શનમાં આવી છે. ગઈકાલે બે ખેડૂતોને માર મારનારા ત્રણ અસામાજિક તત્વોની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ખેડૂતો, મહિલાઓ અને ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં મેદાનમાં ઉતરતા સમગ્ર પંથકમાં આ ઘટનાને લઈને રોષની લાગણી વ્યાપી છે.
ધારીના વેકરીયાપરા વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ બે ખેડૂતો પર બેફામ હુમલો કરી તેમને ઇજાગ્રસ્ત કર્યા હતા. ગંભીર ઇજાઓ પામેલા બંને ખેડૂતો હાલ અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે. ઘટનાના પગલે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. આ મામલે આજે સવારે ધારાસભ્ય કાકડીયા, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા, મનસુખ ભુવા સહિત ભાજપના આગેવાનો, ખેડૂતો અને ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રતિનિધિઓએ ધારી પોલીસ અને નાયબ કલેકટરને એક આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કડક કાર્યવાહી તેમજ વિસ્તારમાં ચાલી રહેલા દારૂના દૂષણ પર નિયંત્રણ લાવવાની માંગ કરી હતી.
આ આવેદનપત્ર બાદ ધારી પોલીસ હરકતમાં આવી હતી. અને સાગર બટુકભાઈ સરવૈયા, વિશાલ હરેશભાઈ ડાભી સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. ઉપરાંત હુમલામાં સંડોવાયેલા અન્ય અજાણ્યા શખ્સો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. દરમિયાન ભાજપના આગેવાનોએ ધારી પંથકમાં દારૂનું દૂષણ બેફામ રીતે ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસની મીઠી નજર હેઠળ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાનો આરોપ લગાવી જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
ધારાસભ્ય જે.વી. કાકડીયાએ દારૂના અડ્ડાઓ બંધ નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ઘટનાને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ જોડાતા સમગ્ર પંથકમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ચર્ચા તેજ બની છે.
હાલ ધારી પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે હુમલામાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળે છે.
