આઝાદીના આટલા વર્ષો પછી પણ અમરેલીને બ્રોડગેજ મળી નથી

‘સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનને ચિતલ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ આપવા વ્યાપક માંગ : મહાનગરો સાથે સીધી કનેક્ટિવિટી મળે તે માટે અમરેલી મિશન બ્રોડગેજની માંગ

અમરેલી શહેર વર્ષોથી બ્રોડગેજ રેલવે મેળવવા માટે આંદોલન ચલાવી રહ્યું છે. પરંતુ અમરેલી શહેરને આઝાદીના આટલા વર્ષો પછી પણ બ્રોડગેજ રેલવે મળી નથી. રાજકીય નેતાઓ તો કહેતા આવ્યા છે કે, અમરેલીથી 17 કી.મી. દૂર ચિતલ બ્રોડગેજ આવી તે અમરેલી બ્રોડગેજ રેલવે આવી ગણાય. ત્યારે હવે ’સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન આ ચિતલ ગામમાંથી પસાર થવાની છે. તે ટ્રેઈનને ચિતલ રેલવે સ્ટેશનને સ્ટોપ મળે તેવું કરવી આપવા માટે અમરેલી મિશન બ્રોડગેજ દ્વારા અમરેલીના સાંસદ ભરત સુતરીયા સમક્ષ માંગ કરવામાં આવી છે.
આ અંગે અમરેલી મિશન બ્રોડગેજના પ્રમુખ રાજેશ ગાંધીએ અમરેલીના સાંસદને લખેલ પત્રમાં જણાવેલ છે કે, તાજેતરમાં મીડિયાના અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે કે, પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ’સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનનો રૂટ બદલવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા રૂટ અંતર્ગત આ પ્રતિષ્ઠિત ટ્રેન હવે સાબરમતિથી ધોળકા, બોટાદ, ઢસા અને જૂનાગઢ થઈને ચાલનાર છે. રેલવે પ્રશાસનનો આ નિર્ણય ભાવનગર, બોટાદ, તથા અમરેલી જિલ્લાના આંતરિક વિસ્તારો માટે ખૂબ જ આવકારદાયક છે.
આ સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન નવા રૂટના અમલીકરણની સાથે જ અમરેલી જિલ્લા અને ખાસ કરીને અમરેલી શહેરની જનતા માટે વર્ષો જૂની રેલવે સુવિધાની ખોટ પુરાવવાની એક સુવર્ણ તક ઊભી થઈ છે. આ સંદર્ભે ’અમરેલી મિશન બ્રોડગેજ’ સંસ્થા વતી સમગ્ર વિસ્તારના નાગરિકોના વ્યાપક હિતમાં એક અત્યંત મહત્વની રજૂઆત કરી છે.
અમરેલી જિલ્લો એક મોટું વડું મથક હોવા છતાં, મુખ્ય બ્રોડગેજ રેલવે લાઈનથી વંચિત રહ્યો છે. ચિત્તલ રેલવે સ્ટેશન અમરેલી શહેરથી માત્ર 17 કિલોમીટર જેટલા ટૂંકા અંતરે આવેલું છે. અને ચિતલ રેલવે સ્ટેશન સડક માર્ગે ખૂબ જ ઉત્તમ રીતે જોડાયેલું છે. જો ચિત્તલ સ્ટેશને આ વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે, તો અમરેલી શહેર અને આસપાસની જનતા ખૂબ જ સરળતાથી અને ટૂંકા સમયમાં ચિત્તલ પહોંચીને ટ્રેન સેવાનો લાભ લઈ શકશે.
અમરેલીથી રોજ હજારોની સંખ્યામાં વેપારીઓ, રત્નકલાકારો, વિદ્યાર્થીઓ અને દર્દીઓ વ્યવસાય, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ માટે અમદાવાદ તરફ પ્રયાણ કરે છે. ત્યારે ચિત્તલ ખાતે સ્ટોપ મળવાથી અમરેલી જિલ્લાની જનતાને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, જુનાગઢ અને અમદાવાદ (સાબરમતી) સુધીની આધુનિક, ઝડપી અને સુરક્ષિત ટ્રેન સુવિધા પ્રાપ્ત થશે. ઉપરાંત અમદાવાદ પહોંચ્યા બાદ અમરેલી સહિતના મોટા ભાગના જિલ્લના નાગરિકોને અમદાવાદથી બરોડા, સુરત, મુંબઈ, દિલ્હી, હરિદ્વાર, જેવા દેશના પ્રમુખ ધાર્મિક અને વ્યાપારી કેન્દ્રો તરફ જવા માટેની કનેક્ટિવિટી પણ ખૂબ જ સરળતાથી મળી રહેશે, જે અત્યાર સુધી ખૂબ મુશ્કેલ હતી.
આ ચિતલ રેલવે સ્ટેશનને સ્ટોપેજ મંજૂર થવાથી માત્ર ચિત્તલ તથા અમરેલી જ નહીં, પણ સમગ્ર અમરેલી જિલ્લાના અર્થતંત્ર, વેપાર અને રોજગારને મોટો વેગ મળશે. મધ્યમવર્ગીય પરિવારો, સિનિયર સિટીઝનો અને મુસાફરોને લાંબી બસ મુસાફરીના થાક અને ખર્ચમાંથી મોટી રાહત મળશે.

રિલેટેડ ન્યૂઝ