બગસરામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનું સામે આવ્યું છે. શહેરમાં દારૂબંધીના ધજાગરા ઉડયા છે. પોલીસ સ્ટેશનની દિવલ પાસે જ દારૂડયો સુઇ ગયો હતો. ત્યારે પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે.બગસરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો અને દારૂડિયાઓનો ત્રાસ અસહ્ય સપાટીએ પહોંચી ગયો છે. સ્થાનિક પોલીસ પ્રશાસનની નિષ્ક્રિયતા તેમજ નબળી કામગીરીના કારણે બૂટલેગરો અને નશાખોરો બેફામ બન્યા છે. પરિસ્થિતિ હવે એટલી હદે વણસી ચૂકી છે કે સામાન્ય નાગરિકો તો ઠીક, ખુદ પોલીસનો ખોફ પણ આ તત્વોના મનમાંથી સાવ ઓગળી ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માત્ર કાગળ પર જ હોય તેમ દારૂડિયાઓ જાહેરમાં નશો કરીને કાયદાના રક્ષકોને જ પડકાર ફેંકી રહ્યા છે. આ શરમજનક પરિસ્થિતિનો જીવતો જાગતો પુરાવો તાજેતરમાં જ બગસરા પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક જોવા મળ્યો હતો. કાયદાનો જરાય ડર રાખ્યા વિના દારૂડિયાઓ પોલીસ મથકની આસપાસ જ નશાની હાલતમાં ખુલ્લેઆમ ખેલ કરી રહ્યા છે. હદ તો ત્યારે થઈ જ્યારે એક દારૂડિયો દારૂ ઢીંચીને ખુદ પોલીસ સ્ટેશનની દીવાલનો સહારો લઈને જ ત્યાં જ સૂઈ ગયો હતો. જે પોલીસ સ્ટેશન સામાન્ય જનતા માટે સુરક્ષાનું પ્રતીક હોવું જોઈએ, તેની જ દીવાલો આજે નશાખોરો માટે આરામગાહ બની ગઈ છે. આ ઘટના બગસરામાં પોલીસના ડર અને કાયદાના આદરની વાસ્તવિક સ્થિતિની પોલ ખોલી નાખે છે. આ ઘટના સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની છે અને પ્રજામાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે જો પોલીસ પોતાના ઘર આંગણે જ દારૂડિયાઓ પર કાબૂ મેળવી શકતી નથી, તો સમગ્ર શહેરની સુરક્ષા ભગવાન ભરોસે જ સમજી લેવી? પોલીસ મથકની દીવાલે દારૂડિયો સૂઈ જાય તે ઘટના જ સાબિત કરે છે કે બગસરામાં ખાખીનો કોઈ રોફ કે ડર બચ્યો નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ગંભીર બાબતને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી બગસરા પોલીસ તંત્ર સામે કડક પગલાં ભરે અને આવા તત્વો સામે સઘન ઝુંબેશ ચલાવીને કાયદાનું ભાન કરાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
દારૂડીયાઓને પોલીસનો ભય નહીં
દારૂડિયો દારૂ ઢીંચીને પોલીસ સ્ટેશનની દીવાલે સુઈ ગયો હતો. આમ આદમી પાર્ટીના રમેશભાઈ સતાસિયાએ લોકોને દેખાડ્યું હતું કે આ બનાવ સમયે 112 સેવાની જીપ તેનાથી માત્ર પાંચ ડગલાં દૂર હતી. પોલીસનું વાહન આટલું નજીક હોય તેમ છતાં દારૂડિયાઓ બેફામ બને તો પોલીસનો ડર દારૂડિયાઓમાં કેટલો છે તે સમજી શકાય તેવી વાત છે.
