અમરેલી બ્રોડગેજ કમિટી દ્વારા રેલ્વે સ્ટેશનની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ

સને 1912નું ઐતિહાસિક રેલવે સ્ટેશન બિલ્ડિંગ તોડ્યા વિના બ્રોડગેજ લાઇન શરૂ કરવી અશક્ય

અમરેલી જિલ્લાના લાખો નાગરિકો લાંબા સમયથી જે બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, તેની વાસ્તવિક સ્થિતિ જાણવા આજે અમરેલી બ્રોડગેજ કમિટીના આગેવાનો, વડીલો અને સામાજિક કાર્યકરોએ અમરેલી રેલ્વે સ્ટેશનની રૂબરૂ મુલાકાત લઈ સ્થળ પર પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સ્થાનિક મીડિયા અને પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. નિરીક્ષણ બાદ કમિટીના મુખ્ય અગ્રણી રાજેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે રેલવે વિભાગની ધીમી કામગીરી, વહીવટી વિલંબ અને અધૂરી તૈયારીઓને કારણે સમગ્ર જિલ્લામાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે વર્ષ 1912માં નિર્મિત ઐતિહાસિક રેલવે સ્ટેશન બિલ્ડિંગ ટ્રેકની અત્યંત નજીક આવેલું હોવાથી રેલવેના નિયમો મુજબ તેને દૂર કર્યા વિના નવું પ્લેટફોર્મ તથા બ્રોડગેજ લાઇન કાર્યરત કરવી શક્ય નથી. બ્રોડગેજ લાઇનનું કામ હાલમાં ઈશ્વરીયા-માચીયાળા વચ્ચે ફાટક નં.16 પાસે જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ ના થવાને કારણે અટવાયેલું છે. ઉપરાંત હનુમાનપરા રોડ પર આવેલા મંદિરોના સ્થળાંતરનો પ્રશ્ન પણ હજુ સુધી ઉકેલાયો નથી, જેના કારણે કામગીરીમાં વધુ વિલંબ થઈ રહ્યો છે. સ્ટેશન પરિસરમાં નિર્માણાધીન અંડરબ્રિજનું કામ પણ અધૂરું હોવાનું કમિટીએ નોંધ્યું હતું. કમિટીએ વધુમાં જણાવ્યું હતું કે નવું નિર્માણાધીન રેલવે સ્ટેશન મુસાફરોને ધ્યાનમાં રાખીને પૂરતી સુવિધાઓ સાથે વિકસાવવામાં આવ્યું નથી. વિશાળ પ્રતીક્ષાલય, પૂરતી બેઠક વ્યવસ્થા, સ્વચ્છ શૌચાલય, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, દિવ્યાંગજનો માટે અનુકૂળ વ્યવસ્થા સહિતની અનેક મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે. મુસાફરોને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્ટેશનને આધુનિક અને સર્વ સુવિધા સંપન્ન બનાવવાની માંગ કરવામાં આવી છે. કમિટીએ સ્થાનિક સાંસદને રજૂઆત કરીને બ્રોડગેજ લાઇન શરૂ થાય તે પહેલાં જ અમરેલીથી અમદાવાદ, સુરત, મુંબઈ અને હરિદ્વાર માટેની ટ્રેનોનું સમયપત્રક તથા જરૂરી મંજૂરીઓ અગાઉથી મેળવવાની માંગ કરી છે, જેથી લાઇન શરૂ થતાં જ જિલ્લાની જનતાને તેનો સીધો લાભ મળી શકે.

રિલેટેડ ન્યૂઝ