સિંહે વાહન ચાલકો પાછળ દોડીને આતંક મચાવ્યો હતો વન વિભાગની ટીમ પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો, બાદમાં આંચકી આવતા મોત થયેલું
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામા 3 દિવસ પહેલા તારીખ 21ના દિવસે બાબરકોટ રોડ પર આવેલી જાફરાબાદ રેન્જ વનવિભાગની કચેરી નજીક એક સિંહે આતંક મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પાછળ સિંહે દોડ લગાવી હુમલાના પ્રયાસો કરતા લોકોમાં ભારે ભય ફેલાયો હતો. આ ઘટના દરમિયાન સિંહનું ઘટનાસ્થળે જ શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. ત્રણેક વાર આંચકી બાદ હડકવા ઉપડ્યાની આશંકા વનવિભાગે દર્શાવી છે. ફોરેસ્ટની ટીમ રેસ્ક્યૂ કરે એ પહેલા જ સિંહે દમ તોડ્યો હતો આ સિંહના મોત બાદ કેટલાક સેમ્પલ સાસણ ખાતે મોકલવામાં આવ્યા હતા તેમનુ વર્તન વિચિત્ર હોવાને કારણે વનવિભાગ પણ ચોકી ઉઠ્યું હતું આ ઘટના બાદ તેમનો પીએમ રિપોર્ટ સેમ્પલ રિપોર્ટમાં હડકવાના કારણે સિંહનું મોત થયાનું સામે આવ્યું છે જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે સિનયર અધિકારીઓ દ્વારા તકેદારી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વનવિભાગની કચેરી પાસેથી સૌપ્રથમ વિનુભાઈ બારૈયા નામના બાઈક ચાલક પસાર થઈ રહ્યા હતા, ત્યારે સિંહે તેમના પર હુમલો કરવા તરાપ મારી હતી. આ હુમલામાં બાઈક ચાલક નીચે પડી ગયો હતો અને સિંહે પંજો મારતા તેને હાથના ભાગે સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટનાના થોડા સમય બાદ ત્યાંથી પસાર થઈ રહેલી એક રિક્ષા પર પણ સિંહે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જોકે, સદનસીબે રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી જોકે આ ઘટનામાં વનવિભાગ દ્વારા દાવો કર્યો હતો સિંહ દ્વારા નખ મારવામા નથી આવ્યો જયારે ઈજાગ્રસ્ત વ્યક્તિએ જે તે સમયે હડકવાનું ઇન્જેક્શન પણ લીધું હતું
ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ રેન્જ વનવિભાગની ટીમ ડોક્ટરો સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. સિંહે ત્યાં હાજર વનવિભાગના સ્ટાફ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે થોડીવાર માટે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી.
રસ્તા પર હાહાકાર મચાવ્યા બાદ, આ સિંહને અચાનક શરીરમાં 2થી 3 વખત જોરદાર ઝટકા (આંચકી) આવ્યા હતા અને તે જમીન પર ઢળી પડ્યો હતો. વનવિભાગની ટીમ તેને રેસ્ક્યૂ કરે તે પહેલા જ સિંહે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. વનવિભાગ દ્વારા મૃતક સિંહના મૃતદેહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી હતી સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, જાફરાબાદ પંથકમાં આ પ્રકારની આ ત્રીજી ઘટના છે. એક વર્ષ પહેલા જાફરાબાદ તાલુકાના મીતીયાળા ગામ નજીક એક સિંહે હડકવા જેવા અસામાન્ય વર્તન સાથે વનવિભાગના કર્મચારી પર હુમલો કર્યો હતો અને બાદમાં તેનું મોત થયું હતું. જ્યારે બે વર્ષ પહેલા બાબરકોટ નજીક આવેલી એક ખાનગી કંપની પાસે પણ એક સિંહે હડકવાના લક્ષણોને કારણે 3 વાહનચાલકોને ટાર્ગેટ કર્યા હતા, જેનું પણ પાછળથી મોત નીપજ્યું હતું.
