ભારે વરસાદે છીનવી વીજળી પણ ફરજના અજવાળે ફરી ઝળહળ્યાં અનેક ગામો
કાદવ, પાણી અને અંધકાર વચ્ચે વીજકર્મીઓએ દિવસ-રાત એક કરી 80થી વધુ ગામોમાં પરત લાવ્યા પ્રકાશ
અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પછીનું દૃશ્ય માત્ર પાણી ભરાયેલા રસ્તાઓ કે, છલકાતી નદીઓ પૂરતું મર્યાદિત ના હતું. અનેક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાતા અંધકાર છવાઈ ગયો હતો. આવા સમયે વરસાદથી ભીંજાયેલા કપડાં, કાદવથી ભરાયેલા રસ્તાઓ અને જોખમી પરિસ્થિતિ વચ્ચે પણ એક એવી ટીમ સતત કાર્યરત હતી, જેના માટે નાગરિકોના ઘરોમાં ફરી પ્રકાશ પહોંચાડવો વધુ મહત્વનો હતો. આ ટીમ હતી અમરેલી પી.જી.વી.સી.એલ સર્કલના અધિકારીઓ, ઇજનેરો અને વીજકર્મીઓની.
અમરેલી પી.જી.વી.સી.એલ સર્કલના અધિક્ષક ઈજનેર સી.સી.ડામોરના માર્ગદર્શન હેઠળ સમગ્ર વીજ તંત્ર મેદાનમાં ઉતરી પડ્યું હતું. ભારે વરસાદના કારણે સર્કલના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા 88 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ કચેરીમાં બેસીને સૂચનાઓ આપવાને બદલે જાતે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને કામગીરીનું નેતૃત્વ સંભાળ્યું.
સી. સી. ડામોર સતત અધિકારીઓની ટીમ સાથે ફિલ્ડમાં પેટ્રોલિંગ કરીને દરેક વિસ્તારની સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, તા. 4 જુલાઈના રોજ વરસેલા ભારે વરસાદથી શરૂઆતમાં 24 ગામોમાં સંપૂર્ણ ડાર્કઆઉટ સર્જાયો હતો. ત્યારબાદ તા. 5 જુલાઈથી 68 વિશેષ ટીમો સાથે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જેમ જેમ વરસાદની અસર વધતી ગઈ તેમ તેમ કામગીરીનું વ્યાપ પણ વધારવામાં આવ્યું. પી.જી.વી.સી. એલની 125 ટીમો અને કોન્ટ્રાક્ટર એજન્સીની 67 ટીમો – કુલ મળીને 192 ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ દિવસ અને રાતનો ભેદ ભૂલીને સતત મરામત કામગીરી હાથ ધરી હતી. ક્યાંક પાણી ભરાયેલા ખેતરો વચ્ચે જઈ ને પણ થાંભલા ઊભા કર્યા, તો ક્યાંક વરસાદ વચ્ચે તૂટેલી લાઇનો જોડવાની હતી. દરેક સ્થળે એક જ ધ્યેય હતો કે લોકોના ઘરોમાં ફરી અજવાળું પહોંચાડવાનું છે.
તેઓએ જણાવ્યું હતું કે, આ અવિરત પ્રયાસોના પરિણામે પ્રભાવિત 370 ફીડરમાંથી 368 ફીડર પૂર્વવત કરવામાં આવ્યા છે. વરસાદથી નુકસાન પામેલા 397 વીજ થાંભલામાંથી 380થી વધુ થાંભલા ફરી ઉભા કરવામાં આવ્યા છે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં નુકસાન પામેલા 32 ટ્રાન્સફોર્મરમાંથી 30 ટ્રાન્સફોર્મર કાર્યરત કરી દેવામાં આવ્યા છે. પરિણામે આજે 80થી વધુ ગામોમાં વીજ પુરવઠો પુન:સ્થાપિત થઈ ગયો છે, જ્યારે બાકીના ગામોમાં પણ અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. અને આજે જ તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
