ટ્રાફિક, પાર્કિંગ અને વડીલો-મહિલાઓની અવરજવરની સમસ્યાનો ઉકેલ બની શકે સીટી બસ સેવા
અમરેલી શહેરનો સતત થઈ રહેલો વિકાસ અને ચારેય દિશામાં વિસ્તરતા રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ, ઉદ્યોગો, સ્કૂલ, કોલેજો વચ્ચે શહેરમાં જાહેર પરિવહનની સુવિધાનો અભાવ હવે સ્પષ્ટપણે અનુભવાઈ રહ્યો છે. અંદાજે આઠેક કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા અમરેલી શહેરમાં સીટી બસ સેવા શરૂ કરવાની માંગ પ્રબળ બની રહી છે. જેથી ટ્રાફિકનું ભારણ ઘટે અને નાગરિકોને સરળ, સસ્તી તથા સુરક્ષિત મુસાફરીની સુવિધા મળી રહે.
અમરેલી શહેર છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વિકસી રહ્યું છે. નવા રહેણાંક વિસ્તારો, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, હોસ્પિટલો અને વ્યાપારી કેન્દ્રો શહેરની ચારેય દિશામાં વિસ્તરતાં શહેરનું ક્ષેત્રફળ પણ નોંધપાત્ર રીતે વધ્યું છે. જો કે,આ વિકાસની સામે જાહેર પરિવહનની સુવિધા હજુ સુધી શરૂ થઈ નથી.
શહેરમાં દિવસેને દિવસે વાહનોની સંખ્યા વધી રહી હોવાથી મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે. ખાસ કરીને વ્યસ્ત સમયગાળામાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચલાવવું મુશ્કેલ બની જાય છે. અનેક સ્થળોએ પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ન હોવાથી વાહનો રસ્તા પર પાર્ક થતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે.
ત્યારે વડીલો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને બાળકોને શહેરના એક છેડેથી બીજા છેડે જવા માટે ખાનગી વાહન અથવા રિક્ષા પર નિર્ભર રહેવું પડે છે, જેના કારણે મુસાફરીનો ખર્ચ પણ વધી જાય છે. જો શહેરમાં સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તો, સામાન્ય નાગરિકોને સસ્તું, સુરક્ષિત અને સુવિધાજનક પરિવહન મળી શકેતેમ છે હાલમાં પર્યાવરણને અનુકૂળ ઇલેક્ટ્રિક બસોથી પ્રદૂષણમાં ઘટાડો થશે, ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો થશે. અને ટ્રાફિકની સમસ્યામાં પણ નોંધપાત્ર રાહત મળી શકે છે. શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને અમરેલીમાં મીની ઇલેક્ટ્રિક સીટી બસ સેવા શરૂ કરવા માટે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવે તેવી નાગરિકોમાં વ્યાપક માંગ ઉઠી રહી છે.
