અમરેલીના લાઠી સ્ટેશનને વંદે ભારતનો સ્ટોપ ન મળતા સ્થાનિકોમાં નારાજગી

ટ્રેન ઉભી ન રહેતા માત્ર પસાર થતી ટ્રેનને આવકારવા સ્કૂલના બાળકોને પણ ગોઠવી દીધા

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાને વંદે ભારત ટ્રેનનો સ્ટોપ નહીં મળતા લાઠી ગામનાં નિવાસીઓમાં નારાજગી જોવા મળી હતી. લાઠી રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનને આવકારવા માટે સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ ટ્રેનનો લાઠી ખાતે સ્ટોપ ન હોવાથી આવકારવાના અરમાનો અધૂરા રહ્યા હતા. લાઠી રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનના સ્વાગત માટે સવારથી સ્કૂલના બાળકોને પણ ગોઠવી દેવામાં આવ્યા હતા. જોકે, ટ્રેન સ્ટેશન પર રોકાયા વિના પસાર થઈ જતા બાળકો સહિત ઉપસ્થિત લોકો માત્ર પસાર થતી વંદે ભારત ટ્રેનને નિહાળી શક્યા હતા. લાઠી તાલુકો રાજકીય રીતે પણ મહત્વ ધરાવે છે. સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય જનક તળાવિયા તેમજ રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાના વતન વિસ્તારમાં આવેલા લાઠી રેલવે સ્ટેશનને વંદે ભારતનો સ્ટોપ ન મળતા સ્થાનિકોમાં રોષ અને નારાજગી જોવા મળી હતી. સ્થાનિકોએ હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે,લાઠી વિસ્તારના વિકાસ અને રેલવે સુવિધાઓને વેગ મળે તે માટે લાઠી રેલવે સ્ટેશન પર વંદે ભારત જેવી મહત્વની ટ્રેનનો સ્ટોપ મળવો જરૂરી છે. સ્ટોપ મળે તો લાઠી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને પણ મોટી સુવિધા મળી શકે તેમ છે. વંદે ભારત ટ્રેન લાઠી સ્ટેશન પર ઊભી ન રહેતા સ્વાગત માટે કરાયેલી તૈયારીઓ પણ જાણે અધૂરી રહી ગઈ હતી અને સ્થાનિકોમાં ‘સ્ટોપ ક્યારે મળશે?’ તેવો સવાલ ઉઠ્યો છે.

રિલેટેડ ન્યૂઝ