ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી અમરેલીના મેડી અને નાના માંડવાળા ગામની શેત્રુજી નદીમાં રેતી ચોરી ઝડપાઈ


ખનીજ ચોરો લોડર અને ટ્રેકટર સાથે ભાગ્યા, એક ડમ્પર કબજે

અમરેલી નજીક આવેલ શેત્રુજી નદીમાં મોટાપાયે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠતી હોય. ત્યારે આજે અમરેલી તાલુકાના મેડી અને નાના માંડવાળા ગામની શેત્રુજી નદીમાં બેફામ રીતે ચાલતી રેતી ચોરીની ફરિયાદના આધારે ખાણ-ખનીજ વિભાગે દોડી જઈ દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડા દરમિયાન લોડર, ટ્રેક્ટર અને ડમ્પર મારફતે રેતી ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. જો કે, ખનીજ માફિયાઓએ ખાણ-ખનીજ વિભાગના કર્મચારીઓને ધમકી આપી લોડર અને ટ્રેક્ટર સાથે નાસી છૂટ્યા હતા. ખાણ-ખનીજ વિભાગે એક ડમ્પર સીઝ કરી ખનીજ માફિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અમરેલી તાલુકાના મેડી અને નાના માંડવાળા ગામના લોકો દ્વારા શેત્રુજી નદીમાં મોટા પાયે રેતી ચોરી થતી હોવાની ખાણ-ખનીજ વિભાગને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના અનુસંધાને ખાણ-ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન મેડી અને નાના માંડવાળા ગામની શેત્રુજી નદીમાં લોડર, ટ્રેક્ટર અને ડમ્પર મારફતે રેતીનું ખનન અને પરિવહન થતું હોવાનું સામે આવતા ખાણ-ખનીજ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો. વિભાગની ટીમ સ્થળ પર પહોંચતા ખનીજ માફિયાઓમાં દોડધામ મચી હતી. આ દરોડા દરમિયાન ખનીજ માફિયાઓએ ખાણ-ખનીજ વિભાગના કર્મચારીઓને ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. બાદમાં લોડર અને ટ્રેક્ટર લઈને ખનીજ માફિયાઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. જોકે, ખાણ-ખનીજ વિભાગની ટીમે એક ડમ્પર ઝડપી પાડી તેને સીઝ કરી દીધું હતું.
આ સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગ દ્વારા ખનીજ માફિયાઓ સામે પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. શેત્રુજી નદીમાંથી થતી ગેરકાયદેસર રેતી ચોરી સામે ખાણ-ખનીજ વિભાગ દ્વારા વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.



રિલેટેડ ન્યૂઝ