ખેડુત વિભાગના 10 અને વેપારી વિભાગના 4 ડીરેકટર સહિત 14 બેઠકો માટે જંગ જામશે
બાબરા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જાહેર થતાં જ યાર્ડની રાજનીતિમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી યાર્ડમાં સત્તા સંભાળતી વર્તમાન પેનલ સામે નવી પેનલ મેદાનમાં ઉતરતા આગામી ચૂંટણીમાં રસપ્રદ મુકાબલાની શકયતાઓ વચ્ચે ખેડૂતો અને વેપારીઓમાં પણ ચર્ચાનો દોર શરૂ થયો છે. તા. 8 જુલાઈના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ તા. ર8 સપ્ટેમ્બરના રોજ મતદાન અને તા. ર9 સપ્ટેમ્બરના રોજ મતગણતરી યોજાનાર છે. ચૂંટણીમાં ખેડૂત વિભાગના 10 તથા વેપારી વિભાગના 4 ડિરેકટર સહિત કુલ 14 બેઠકો માટે જંગ જામશે.
બાબરા યાર્ડમાં છેલ્લા આશરે 1પ વર્ષથી એક જ પેનલનું પ્રભુત્વ રહ્યું હોવાના કારણે હવે એકચક્રી શાસનનો અંત અને વિકાસનો સૂર્યોદય થાય તેવી માંગ ઉઠવા લાગી છે. વર્તમાન વહીવટ સામે સૌથી મોટોસવાલ યાર્ડના વિકાસને લઈને ઉભો થઈ રહ્યો છે. યાર્ડ આર્થિક રીતે સઘ્ધર હોવા છતાં ખેડૂતો અને વેપારીઓ માટે આજે પણ પાયાની સુવિધાઓનો અભાવ કેમ છે ? તેવો પ્રશ્ન હવે ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યો છે.
સૌરાષ્ટ્રના મહત્વના માર્કેટ યાર્ડોમાં બાબરા યાર્ડનું આગવું સ્થાન છે. ખાસ કરીને કપાસ સહિતની ખેત જણસોની આવકમાં બાબરા યાર્ડનું મોટું નામ છે. તેમ છતાં અન્ય વિકસિત યાર્ડોની સરખામણીએ બાબરા યાર્ડમાં વિશાળ શેડ સહિતની પાયાની સુવિધાઓનો અભાવ હોવાના કારણે ખેડૂતો અને વેપારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
બાબરા યાર્ડને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવું, વિશાળ શેડનું નિર્માણ કરવું, ખેડૂતો અને વેપારીઓ માટે માલ સંગ્રહની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી, પારદર્શક વહીવટ કરવો અને યાર્ડને સૌરાષ્ટ્રના અગ્રણી માર્કેટ યાર્ડોની હરોળમાં લઈ જવું આ મુદ્દાઓ આગામી ચૂંટણીમાં સૌથી મહત્વના બની શકે છે.
હવે સવાલ માત્ર ડિરેકટરો ચૂંટવાનોનથી, પરંતુ આગામી પાંચ વર્ષમાં બાબરા યાર્ડનો વિકાસ કોણ કરશે ? તેવો બની ગયો છે. 1પ વર્ષના એકધારા શાસન સામે નવી પેનલની ટક્કરથી બાબરા યાર્ડમાં પરિવર્તનનો સૂર્યોદય થાય છે કે ફરી એકવાર જૂની વ્યવસ્થા યથાવત રહે છે, તેના પર હવે સૌની નજર મંડાઈ છે.
