ધવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો : હુમલાખોર સામે પોલીસ ફરિયાદ
અમરેલી શહેરના બાયપાસ રોડ ઉપર મનસીટી રેસીડેન્સી નજીક ગઈકાલે મોડી રાત્રે યુવક ઉપર હુમલાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. ઘટનામાં અમરેલી શહેર કોંગ્રેસના પ્રમુખ અને ગુજરાત વિધાન સભાના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના કૌટુંબિક ભાઈ સંદીપ ધાનાણી સામે ધર્મકુમાર જોશીપુરા નામના યુવક ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ મારામારીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા અમરેલીમાં ચકચાર જાગી છે.
આ બનાવમાં મળતી વિગતો મુજબ ગઈકાલે મોડી રાત્રે 10-43 મિનિટે બાયપાસ રોડ ઉપર મનસીટી રેસીડેન્સીમાં રહેતા ધર્મકુમાર જોશીપુરા મનસીટી રેસીડેન્સી નજીક આવેલ રાજ ચામુંડા નામની ચા-પાનની દુકાને માવો ખાવા ગયેલ ત્યારે ત્યાં બંને વચ્ચે કોઈ બાબતે કોઈપણ જાતની બોલાચાલી થયા વગર જ મામલો ઉગ્ર બન્યો હોવાની માહિતી સામે આવી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ મુજબ સંદીપ ધાનાણીએ ચાની કીટલી વડે ધર્મકુમાર જોશીપુરા નામના 31વર્ષીય યુવક ઉપર આડેધડ ઘા મારતાં તેમને મરણતોલ ગંભીર ઇજા પહોંચાડી હેમરેજ જેવી ઇજા કરી હતી. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે અમરેલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં અમરેલી સીટી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આજે વહેલી સવારે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ફરિયાદના આધારે ઘટનાની તપાસ શરૂ કરી છે અને હુમલાની ચોક્કસ પરિસ્થિતિ તેમજ બંને વચ્ચે થયેલા વિવાદ અંગે વધુ વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટનામાં સંદીપ ધાનાણી હાલ પોલીસની પકડથી દૂર હોવાનું અને ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીની શોધખોળ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સંદીપ ધાનાણી ગુજરાત વિધાન સભાના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના કૌટુંબિક ભાઈ થતા હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાને પગલે અમરેલીના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે. આ મારામારીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા અમરેલીમાં ચકચાર જાગી છે.
