જેતલસર પાસે પ્લાસ્ટિક ધોવાના કારખાનાનો કચરો ચેકડેમમાં છોડાતા જન આરોગ્યનો ખતરો

પ્રદુષિત પાણીથી ખેતીના પાકોને પણ નુક્શાન: કારખાનેદાર થાય તે કરી લેવાની ધમકી છતા તંત્ર લાચાર

જેતલસર તા. 20
જેતલસરના જંકશન રોડ પરના એક પ્લાસ્ટિકના કારખાનામાંથી નજીકના જ ચેકડેમમાં છોડાતાં પાણીથી આજુ બાજુના ખેતરો અને બોરના તળ બગડી ગયાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. સ્થાનિક સરપંચે કહ્યું કે, આ મામલે તેમણે નોટિસ ફટકારાઈ છે. જો કે ખેડૂતોએ બુમરાણ સાથે આ કારખાનું બંધ કરાવીને ખેડૂતોના પાકને બચાવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરાઇ છે.
ગ્રામજનોના આક્ષેપો મુજબ સંબંધિત પાણી પ્રદૂષણ નિવારણ તંત્રની મીઠી નજર તળે જેતલસરના જંકશન રોડ પર વર્તમાન દિવસોમાં એક રફિયો(પ્લાસ્ટિક ધોવાનું ) કારખાનું ધમધમી રહ્યું છે. આ વાત સામે કોઈને વાંધો ન હતો પણ દિવસો જતાં આ કારખાનાના માલિકે કારખાનાનું પ્રદૂષણ યુક્ત પાણી નજીકના ચેકડેમમાં જ છોડવાનું શરૂ કરતાં આજુબાજુની વાડી-ખેતરોના પાકને નુકશાન થઈ રહ્યું છે તેમજ કૂવા-બોરના તળ બગડી ગયા છે.
આ વાતની અનેકવખતની રજૂઆતો પછી પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ કારખાનેદાર સામે કોઈ પગલાં ન ભરતું હોવાથી હવે આ સમસ્યા જેતલસર ગામ અને જંકશનના લોકો માટે માથાના દુખાવા સમાન અને પ્રદૂષિત પાણીથી કેન્સર જેવા રોગ થવાની બંને ગામોની પ્રજામાં દહેશત ફેલાઈ છે. કારણ આ કારખાનું રોડ પર જ આવેલું હોવાનું બેસુમાર દુર્ગંધથી સ્વાસ્થ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે.
ગામના ખેડૂતો સહિત જાગૃત લોકોની આવી સમસ્યાની ફરિયાદ બાબતે ગામના સરપંચે કહ્યું કે, આ બાબતે પ્લાસ્ટિક કારખાનાના કારખાનેદારને ભૂતકાળમાં પાણી પ્રદૂષણ રોકવા તાકીદ કરાઇ છે. તેમ છતાં હજુ સંબંધિત સત્તાધીશોને રજૂઆત કરાશે.

રિલેટેડ ન્યૂઝ