સિંહોરના જાળીયા ગામેથી 31.13 લાખના દારૂ સાથે પાંચ પકડાયા

31.13 લાખનો દારૂ સહિતનો મુદ્દામાલ લેવાયો કબ્જે

ભાવનગર, તા. 24
ભાવનગર જિલ્લાના સિહોરના બે બુટલેગરોએ રાજસ્થાન ખાતેથી મંગાવેલ ઈંગ્લીશ દારૂના મસમોટા જથ્થાનું સિહોર તાલુકાના જાળીયા ગામમાં આવેલ ડુંગર ખાણ વિસ્તારમાં કટીંગ થાય તે પહેલા જ એલ.સી.બી.એ દરોડો પાડી વિદેશી દારૂની નાની મોટી સાઇઝની 313 પેટી ( બોટલ નંગ 3764 ) આઈશર ટ્રક,અલ્ટો કાર, મોબાઇલ, રોકડ રકમ સહિત રૂ. 31.13 લાખના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોને ઝડપી લીધા હતા.
આ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફે ખોડીયાર મંદિર પહોંચી મંદિરના પાર્કિંગમાં પાર્ક કરેલ મારુતિ અલ્ટો કાર નં. જી.જે.04, સી.જે. 1543 ને કોર્ડન કરી કારમાં બેઠેલા યોગેશ બાલકૃષ્ણ મહેતા અને તેનો સાથીદાર સુધીર અશોકભાઈ પંડ્યા રહે. બંને સિહોર તેમજ રાજેશકુમાર મોરારીલાલ યાદવ અને પવન કુમાર રામકુમાર આહીર રહે. બંને દિલ્હીવાળા મળી આવતા તેઓને કારમાંથી બહાર કાઢી અલગ અલગ ઢબે પૂછપરછ કરતા આ ઈસમોએ રાજસ્થાનથી આઈશર ટ્રક નં. એમ.એચ. 18 બી.જી. 7535 મારફત ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મંગાવેલ હોવાનું અને જાળીયા ગામના ડુંગર વિસ્તારમાં આવેલ ખાણમાં તેનું કટીંગ કરવાનું હોવાનું જણાવ્યું હતું.
એલ.સી.બી. મેં ટ્રકની તલાશી લેતા ટ્રકમાં રાખેલ લોખંડના પાઇપની નીચે છુપાવેલ ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાન્ડની નાની મોટી સાઇઝની બોટલોની 313 પેટી ( બોટલ નંગ 3764 ) મળી આવી હતી.
એલ.સી.બી.એ વિદેશી દારૂની 313 પેટી કિં.રૂ.16,13,340, આઈશર ટ્રક, મારુતિ અલ્ટો કાર, 9 મોબાઈલ, ટ્રકમાં રાખેલા નાની-મોટી સાઇઝના લોખંડના પાઇપ, રોકડ રકમ મળી કુલ રૂ.31,13,710 ના મુદ્દામાલ સાથે યોગેશ બાલકૃષ્ણ મહેતા, સુધીર અશોકભાઈ પંડ્યા રહે. બંને સિહોર, પવનકુમાર રામકુમાર યાદવ, રાજેશકુમાર મોરારીલાલ યાદવ રહે. બંને દિલ્હી તેમજ ટ્રકના ચાલક સહજાદખાન પ્યારેમિયાની ધરપકડ કરી ઇંગલિશ દારૂનો જથ્થો મોકલનાર રાજસ્થાનના નાસીર સહિત 6 ઇસમો વિરુદ્ધ સીહોર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો.

રિલેટેડ ન્યૂઝ