ભાવનગરમાં જનભાગીદારીથી હાથ ધરાયેલ પોષણ અભિયાનને બહોળો જન પ્રતિસાદ

ભાવનગર તા.29
રાજ્યનું એકપણ બાળક કે માતા કુપોષિત ન રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ દાહોદ ખાતેથી પોષણ અભિયાન 2020-22 નો પ્રારંભ કરાવેલ જે અંતર્ગત સરકારના તમામ વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહો તથા જનભાગીદારીના સહિયારા પ્રયાસથી સુપોષિત ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવાના શુભ હેતુથી ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો તેમજ વ્યુહ રચનાનું આયોજન કરવામાં આવ્યુ છે.
જિલ્લામા આજ સુધીમા શહેરી વિસ્તારમા 300 તેમજ ગ્રામિણ વિસ્તારમા 1108 એમ કુલ 1408 પાલકવાલીએ કુપોષિત બાળકોને દત્તક લેવાની તૈયારી દર્શાવી છે અને હજુ પણ દિવસે દિવસે આ સંખ્યામા વધારો થઈ રહ્યો છે.
વર્ષ દરમ્યાન દત્તક લેનાર પાલકવાલી પૂરક આહાર, ખાસ આરોગ્ય સુવિધા અને પરિવારના સભ્યો સાથે સંવાદ અને માર્ગદર્શન આપશે તેમજ દત્તક લીધેલ કુપોષિત બાળકોની કાળજી લઈ તેને સામાન્ય ઝોનમા લઈ જવા પ્રયત્ન કરશે.
પાલકવાલી દ્વારા બાળકની લીધેલ મુલાકાત, સારસંભાળ અને અન્ય સેવાઓની નોંધ જનભાગીદારી પોર્ટલમાં કરવામા આવશે જેથી બાળકોના પોષણ સ્તરમાં થયેલ સુધારો અને લેવાયેલ પગલાનું ઓનલાઈન ટ્રેકિંગ કરી શકાય.તેમજ આ પાલકવાલીઓને ગુજરાત પોષણ અભિયાન 2020-22 ના રાજ્યકક્ષાના શુભારંભ કાર્યક્રમ તેમજ જિલ્લા પંચાયત સીટ દિઠ અને નગરપાલિકા/મહાનગરપાલિકા કક્ષાએ યોજાનાર કાર્યક્રમ દરમિયાન સન્માનિત કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ