ભાવનગર,તા.31
ભાવનગરના આડોડીયાવાસના હત્યા કેસમાં મુખ્ય આરોપીને સાત વર્ષની કેદની સજા તથા મદદગારી કરનાર આરોપીને પાંચ વર્ષની કેદની સજા અદાલતે ફટકારી હતી.
આ કામના ફરીયાદી વિપુલભાઇ જીણાભાઇ રાઠોડના ભાઇ મરણ જનાર સુરેશભાઇ જીણાભાઇ રાઠોડ ભરવાડ (ઉ.26) ભીખાભાિ કનુભાઇ પરમારના ઘરે ઇલેકટ્રીક રીપેરીંગનું કામ કરવા ગયેલ તે સમયે ભાવેશ હરગોવિંદભાઇ બાંભણીયા કોળી (ઉ.35) અને તેને મદદગારી કરનાર રામ ઉર્ફે રામો દિનેશભાઇ વાઘેલા કોળી ઉ.19 રહે.ક.પરા. ચીમનલાલનો ચોક, ભાવનગરએ આવી ભીખાભાઇના ઘરે હાજર તેમની દીકરીઓ સાથે બોલાચાલી કરી તારા ભરવાડ દરબાર જે હોય તેને બોલાવી લેજે તેમ કહેતા મરણજનાર સુરેશ જીણાભાઇ રાઠોડે આરોપીઓને કહેલ કે તમે જે કરતા હોય તે કરો હું ભરવાડ છું ખોટુ અમોની જ્ઞાતી વિષે બોલો નહી આથી બન્ને આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ મરણજનારને ગાળો આપી આરોપી રામભાઇએ મરણજનારને પકડી રાખેલ અને આરોપી ભાવેશભાઇએ મરણજનારને બન્ને પગે સાથળના ભાગે છરી મારી ગંભીર ઇજા કરી બન્ને આરોપીઓ નાશી ગયેલ હતા. સુરેશભાઇ જીણાભાઇ રાઠોડનું મોત નીપજાવી હત્યા કરી હતી.
આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના બીજા એડીશ્નલ સેસન્સ જજ એમ.જે. પરાસરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.જે. ખાંભલીયાની દલીલો મૌખીક પુરાવા 17 લેખીત પુરાવા 25 વિગેરે ધ્યાને લઇ મુખ્ય આરોપી ભાવેશ બાંભણીયા સામે ઇપીકો કલમ 304 ભાગ-2નો ગુનો સાબીત માની ગુના સબબ આરોપીને 7 વર્ષની કેદની સજા તથા રોકડા રૂ.10 હજારનો દંડ, દંડ ને ભરે તો વધુ 6 માસની સજા જયારે અન્ય આરોપી નં.2 રામ ઉર્ફે રામો દિનેશ વાઘેલાને આઇપીસી કલમ 304 ભાગ-2 મુજબ 5 વર્ષની કેદની સજા અને રોકડા રૂ.10 હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની સજા અદાલતે ફટકારી હતી.
