Jai Hind

ભાવનગરમાં સ્વા. ગુરૂકુળ આયોજીત વંદે માતરમ્ મહાયાત્રામાં 25000થી વધુ લોકો જોડાશે

આકાશમાં 450 થી વધુ ડ્રોન ઉડી વિવિધ પ્રતિકૃતિઓ બનાવશે

ભાવનગર માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા તા.11 જાન્યુઆરી રવિવારે સૌપ્રથમવાર એકીસાથે આકાશમાં 150 ફૂટ ઊંચે 450 થી વધુ ડ્રોન કેમેરા જવાહર મેદાનમાં ઉડશે અને આકાશમાં જ જય સ્વામીનારાયણ, સહજાનંદ સ્વામીની પ્રતિકૃતિ, વંદે માતરમ્ જેવી અનેક કૃતિઓ બનાવશે. ભાવનગર સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક કે.પી. સ્વામી એ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા તા.11મીએ વંદે માતરમ્ અને સરદાર પટેલ જન્મ જયંતિના 150 વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે એક રાષ્ટ્રભક્તિ સભર એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. કે.પી. સ્વામીએ જણાવ્યું હતું કે, ‘જે રીતે એર-શો દરમિયાન વિમાનોના અદ્દભુત કરતુતો આકાશમાં નિહાળી શકાય છે તે જ રીતે પ્રથમવાર ડ્રોન શોનું આયોજન કરાયેલ છે.જમીનથી 150 ફૂટ ઊંચે એકી સાથે 450 થી વધારે ડ્રોન કેમેરા ઉડશે અને આકાશમાં જ વિવિધ પ્રતિકૃતિઓ પણ બનાવશે અને આ શો જોવો તે પણ એક અદ્દભૂત લ્હાવો છે. આ પહેલા પાણીની ટાંકીથી જવાહર મેદાન સુધીની પીતામ્બર જેવા પીળા વસ્ત્રોમાં સજ્જ શાળાના બાળકો, વાલીઓ અને નગરજનો સહિત 25000 થી પણ વધુ લોકોની મહાયાત્રા નીકળશે જેમાં વિવિધ ફ્લોટ્સ સાથે વાલીઓ, વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાશે. યાત્રા પાણીની ટાંકીથી જવાહર મેદાને પહોંચ્યા બાદ વંદે માતરમ્ અંગે જાણીતા કલાકારો કીર્તિદાન ગઢવી અને સાંઈરામ દવેનો પણ ખાસ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે.