હેરીટેજ હીરો કલબ, મુખી ચેરીટેબલ ટ્રસ્ટ અને ત્રિનેત્ર આર્ટના સંયુકત ઉપક્રમે આયોજન
ગોહિલવાડની શાન અને સંસ્કારી નગરી ભાવનગરના રજવાડી વારસાના સાક્ષી એવા નિલમબાગ પેલેસ ખાતે વિતેલી શનિવારની સાંજ એક યાદગાર સંભારણું બની રહી.હેરીટેજ હીરો ક્લબ,મુખી ચેરીટેબલ ટ્રસ્ટ, અને ત્રિનેત્ર આર્ટ’ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત “કથાનગર” કાર્યક્રમે ભાવેણાના સુવર્ણ ઈતિહાસને જીવંત કર્યા હતો.
આ અનોખી વાર્તામય સાંજનું આયોજન ભાવનગરના સ્થાપનાકાળથી લઈને તેના સમૃદ્ધ વારસાને યુવા પેઢી સુધી પહોંચાડવાના ઉમદા આશયથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અનેક સ્પર્ધકોમાંથી પસંદગી પામેલા શ્રેષ્ઠ ચાર વાર્તાકારોએ પોતાની આગવી શૈલીમાં ભાવનગરની શૌર્યગાથાઓ રજૂ કરી હતી.
આ સ્પર્ધામાં ભાવનગરના જાણીતા અને ’ગુજરાત ગૌરવ પુરસ્કાર’ વિજેતા ફોટોગ્રાફર અમૂલ પરમારે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે પારંપરિક ચારણી પહેરવેશ ધારણ કરીને, હૂબહૂ એ જ શૌર્ય અને ખમીર સાથે “તખ્તેશ્વરની તળેટીમાં જુજા ભરવાડનું સમર્પણ” વિષય પર સચિત્ર વાર્તા પ્રસ્તુત કરી હતી “જ્યારે શબ્દોની સાથે લાગણીઓ અને ઇતિહાસનું તેજ ભળે, ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જાય છે.”
અમૂલભાઈની રજૂઆતમાં માત્ર વાર્તા નહોતી, પણ ભાવેણાના ભૂતકાળને આંખ સામે તાદ્રશ્ય કરતું જીવંત ચિત્ર હતું. તેમની આ અદભૂત અભિવ્યક્તિ અને સંશોધનાત્મક વિગતોને ધ્યાને રાખીને તેમને ’શ્રેષ્ઠ પ્રદર્શન’ માટે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.નિલમબાગ પેલેસના શાહી વાતાવરણમાં આયોજિત આ કાર્યક્રમે ભાવનગરના ઈતિહાસ પ્રેમીઓમાં નવો ઉત્સાહ જગાવ્યો છે. હેરીટેજ હીરો કલબ,મુખી ચેરીટેબલ ટ્રસ્ટ અને ત્રિનેત્ર આર્ટના આ પ્રયાસને કલા અને સાહિત્ય જગતે મુક્ત કંઠે વધાવ્યો હતો. આ તકે શહેરના અગ્રણીઓ અને ઈતિહાસવિદોએ હાજરી આપી વાર્તાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
