ચારેયની ભૂમિકા પોલીસ તપાસમાં ખુલી
ભાવનગરના નિલમબાગ સર્કલ પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા નીલમબાગ શાખામાં માં લઘુ ઉદ્યોગના નામે ખોટા બિલો રજૂ કરી રૂા. 1.35 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં પોલીસે વધુ કડક કાર્યવાહી કરી છે. આ કૌભાંડમાં અગાઉ ધરપકડ કરાયેલી ચાર મહિલાઓના પતિઓની પણ સંડોવણી ખુલતા નિલમબાગ પોલીસે ચારેય શખ્સોની ધરપડ કરી તેમને જેલ હવાલે કર્યા છે.
એસ .બી .આઈ .ની નિલમબાગ શાખાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કલ્પેશભાઈ ઝાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ચાર મહિલા લોનધારકોએ બેંક એજન્ટો સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. પીએમઈજીપી યોજના હેઠળ લઘુ ઉદ્યોગ શરૂ કરવાના બહાને એજન્ટ ભરત અડવાણી પાસેથી મશીનરી અને સ્ટોક્ના ખોટા બિલો મેળવ્યા હતા. અન્ય એજન્ટ સુનિલ હાસેજાએ આ બિલો સાચા હોવાનું જણાવી બેંકમાં રજૂ કર્યા હતા. બેંકમાંથી મંજૂર થયેલી ટર્મ લોન અને સીસી લોન (કુલ રૂા. 1,35,00,599) નો ઉપયોગ વ્યવસાય માટે કરવાને બદલે અંગત કામ માટે કરી લીધો હતો અને બેંના હપ્તા ભર્યા નહોતા. નિલમબાગ પોલીસની તપાસ દરમિયાન બહાર આવ્યુંહતુંકે, આ છેતરપિંડીમાં લોનધારક મહિલાઓના પતિઓની પણ સક્યિ ભૂમિકા હતી.
પીએસઆઈ મક્વાણાના જણાવ્યા અનુસાર, પત્નીઓના નામે લોન લેવડાવી બેંક સાથે વિશ્વાસઘાત કરનાર ચારેય પતિઓની ધરપક્ડ કરવામાં આવી છે. વિવેક લાલવાણી, પીયૂષ શાહ, જીતેશ રાઠોડ અને નિખીલ પંડ્યા આ ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં મહિલા લોનધારકો ભૂમિબેન પંડ્યા, કિરણબેન રાઠોડ, જલ્પાબેન શાહ અને જાગૃતિબેન લાલવાણીની ધરપક્ડ કરી હતી. આ ઉપરાંત એજન્ટો ભરત અડવાણી અને સુનિલ હાસેજા સાથે અન્ય હૈદરઅલી માસુમઅલી નાયાણીની પણ ધરપક્ડ કરવામાં આવી હતી. નિલમબાગ પોલીસે આ મામલે વિવિધ ક્લમો હેઠળ ગુનો નોંધી બેંકિંગ ફ્રોડના આ મોટા નેટવર્કની ઊંડી તપાસ ચાલુ રાખી છે.
