ભાવનગર પોલીસ વિભાગ દ્વારા વિશ્ર્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે વેલનેસ અને વ્યસનમુક્તિ સેમિનાર યોજાયો

ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના આરોગ્યની સુખાકારી તેમજ તેઓને વ્યસન મુક્ત કરવાના ઉમદા આશય સાથે આજે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી (ભાવનગર વિભાગ) તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન અને સૂચનાથી “31મી મે – વિશ્વ તમાકુ નિષેધ દિવસ” નિમિત્તે આ પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો.
તા. 31/5/2026ના રોજ પોલીસ હેડ ક્વાર્ટર્સ સ્થિત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે આયોજિત આ સેમિનારમાં ઇંઈૠ હોસ્પિટલ, ભાવનગરના ડો. મૌલિક પાનસુરીયા તથા રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર પી. એસ. સોલંકીના વિશેષ માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ભાવનગર જિલ્લાના કુલ 201 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તબીબોએ પોલીસ કર્મચારીઓને તમાકુના સેવનથી થતી ગંભીર શારીરિક અસરો અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. ડો. મૌલિક પાનસુરીયા તથા અન્ય તબીબોએ પોતાના વ્યાખ્યાનમાં તમાકુ અને ધૂમ્રપાનના દૂષણો, તેનાથી થતું આર્થિક-શારીરિક નુકસાન, કેન્સરના પ્રારંભિક લક્ષણો તેમજ વ્યસનમાંથી મુક્તિ મેળવવા માટે ઉપલબ્ધ આધુનિક સારવાર અને કાઉન્સેલિંગ સેવાઓ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી.
આ ઉપરાંત તમાકુના વ્યસન નિવારણ અને તેનાથી મુક્ત થવા માટેની શૈક્ષણિક સામગ્રી તથા જાગૃતિ સંદેશાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઇંઈૠ હોસ્પિટલ દ્વારા ભાવનગર પોલીસ વિભાગના સહયોગથી આયોજિત આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મોટા પાયે લોકજાગૃતિ ફેલાવવાનો અને સમાજ પર સકારાત્મક પ્રભાવ પાડવાનો હતો. સેમિનારમાં હાજર પોલીસ કર્મચારીઓએ પોતાની સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગે તબીબો સાથે પ્રશ્નોત્તરી કરીને જરૂરી માર્ગદર્શન પણ મેળવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ તમાકુ મુક્ત જીવન જીવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો. આ સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ ફ્રન્ટલાઈન પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવી, કેન્સર જેવા જીવલેણ રોગોથી બચવા માટે પ્રેરણા પૂરી પાડવાનો હતો, જે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

રિલેટેડ ન્યૂઝ