ગુજરાતના વિવિધ પ્રાંતોમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સર્જાયેલી હૃદયદ્રાવક દુર્ઘટનાઓમાં કુલ 19 વ્યક્તિઓએ અકાળે પ્રાણ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાઓના સમાચાર સાંભળતા જ વિશ્વભરમાં રામકથાના માધ્યમથી કરોડો ભક્તોના હૃદયના ધબકારા એવા પૂજ્ય મોરારિબાપુનું હૃદય દ્રવી ઉઠ્યું. શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા મૃતકોને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરવાની સાથે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ગહન સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.
મોરારિબાપુનો સ્વભાવ જ એવો છે કે પ્રદેશ, દેશ કે દુનિયાના કોઈપણ ખૂણે કુદરતી કે માનવસર્જિત કોઈપણ આપદા સર્જાય ત્યારે તેઓ તરત જ ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા સંવેદના સહાયનો હાથ લંબાવતા રહે છે. દુ:ખના સમયે માનવતાનો દીવો પ્રગટાવવાના આ પુણ્ય કાર્યમાં બાપુ હંમેશા અગ્રેસર રહ્યા છે. તાજેતરમાં ગુજરાતમાં બનેલી આ દુર્ઘટનાઓની જાણ થતાં જ બાપુએ દરેક મૃતકના વારસદાર પરિવારને તાત્કાલિક રૂપિયા પંદર હજાર લેખે સંવેદના સહાય અર્પણ કરવાનો નિર્ણય કર્યો. આમ કુલ 19 પરિવારો માટે કુલ રૂપિયા બે લાખ પંચાસી હજારની સહાયરાશિ મંજૂર કરવામાં આવી છે.
મહુવા તાલુકાના છાપરી ગામના વાડી વિસ્તારમાં દીપડાના અચાનક હુમલામાં એક નિર્દોષ બાળકનો ભોગ લેવાયો. મોરબી-હળવદ માર્ગ પર ચરાડવા ગામ નજીક સર્જાયેલા ભયંકર વાહન અકસ્માતમાં રણછોડગઢ ગામના પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો. ગોંડલ તાલુકાના શેમળા ગામે આવેલા ઓરિયા તળાવમાં રમતા-રમતા ત્રણ બાળકો પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા. બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક આવેલા પાનસા-રીંછડી ગામના તળાવમાં પણ ત્રણ બાળકો ડૂબી જવાની દુ:ખદ ઘટના બની. સિદ્ધપુરની દેથલી ચોકડી પાસે રસ્તો ક્રોસ કરતા એક શ્રમિકને વાહને અડફેટે લેતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. સુરત શહેરના ખાંડ બજાર વિસ્તારમાં આવેલા એક કારખાનામાં અકસ્માત સર્જાતા ચાર શ્રમિકો કાળના ગાલમાં સમાઈ ગયા. જ્યારે ભાવનગરમાં રામદરબારના દર્શન કરી ઘરે પરત ફરી રહેલા બે વ્યક્તિઓનો માર્ગમાં જ અકસ્માતમાં ભોગ લેવાયો. આમ રાજ્યના જુદા જુદા છેડે બનેલી આ સાત જેટલી અલગ અલગ દુર્ઘટનાઓમાં કુલ ઓગણીસ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. દરેક મૃતકના પરિવારને રૂપિયા પંદર હજારની સહાય ચૂકવવામાં આવી રહી છે.
