ભાવનગરમાં સિંધી જનરલ પંચાયત દ્વારા મેયર ઉષાબેન તલરેજા અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષભાઈ આડવાણીનો સન્માન સમારોહ

ભાવનગરમાં શ્રી સિંધી જનરલ પંચાયત તેમજ સિંધી જનરલ પંચાયત યુવા વિંગના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજાઈ ગયો હતો. ભાવનગર મહાનગરપાલિકામાં સિંધી સમાજનું ગૌરવ વધારનાર નવનિયુક્ત પદાધિકારીઓનું આ પ્રસંગે સમસ્ત સમાજ વતી ભવ્ય બહુમાન કરવામાં આવ્યું હતું. આ ગૌરવશાળી સમારોહમાં સિંધી સમાજની આન, બાન અને શાન સમાન તેમજ સમાજસેવાના કાર્યોમાં સદા અગ્રેસર રહેતા ભાવનગરના નવનિયુક્ત મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સદસ્ય મનીષભાઈ આડવાણીનું ઉપસ્થિત મહાનુભાવો અને સમાજના અગ્રણીઓ દ્વારા ઉત્સાહભેર નાગરિક સન્માન કરીને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ રહી કે, ભાવનગર શહેરની તમામ સિંધી પંચાયતો, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક અને વેપારી સંગઠનો ખૂબ જ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ સંગઠનોએ એક જ મંચ પરથી બંને નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન કરી સિંધી સમાજની અતૂટ એકતા અને સંગઠન શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું હતું. આ પ્રસંગે શ્રી સિંધી જનરલ પંચાયતના હોદ્દેદારોએ મીડિયા સમક્ષ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર સિંધી સમાજ માટે આ ખૂબ જ ગૌરવની ક્ષણ છે. નવનિયુક્ત મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષભાઈ આડવાણીના સક્ષમ, દુરંદેશી અને કુશળ નેતૃત્વ હેઠળ ભાવનગર શહેરનો વિકાસ એક નવી ઊંચાઈએ પહોંચશે અને પ્રગતિનો અવિરત પ્રવાહ ચાલુ રહેશે તેવો દ્રઢ વિશ્વાસ છે.કાર્યક્રમના સમાપન અવસરે, સિંધી જનરલ પંચાયત અને યુવા વિંગ દ્વારા કાર્યક્રમને સર્વાંગ સુંદર અને સફળ બનાવવા બદલ ઉપસ્થિત રહેલી તમામ પંચાયતો, સામાજિક-ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ