ભાવનગર મહાનગરપાલિકીના રેકર્ડ રૂમમાંથી ચોરી કરનાર આરોપી ઝડપાયો

ભાવનગર મહાનગરપાલિકીના જુદા-જુદા વિભાગોના મહત્વના રેકર્ડના પોટલાં ચોરી થયાના ગુનામાં પોલીસને વધુ એક સફળતા મળી છે. અગાઉ નોંધાયેલા આ ગુનાની તપાસ દરમિયાન પોલીસે સહ આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. મળતી માહિતી મુજબવ ગત તા. 21 એપ્રિલ, 2025ના રોજ મોટીબાગ ટાઉનહોલ નજીક આવેલી મહાનગરપાલિકાની જૂની કચેરીના રેકર્ડ રૂમમાંથી વિવિધ વિભાગોના જૂના રેકર્ડના પોટલાં ગુમ થયાનું સામે આવ્યું હતું. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અજાણ્યા શખ્સોએ રેકર્ડ રૂમના તાળા તોડી અંદર પ્રવેશી મહત્વના દસ્તાવેજોની ચોરી કરી હતી. આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. અગાઉ આ ગુનામાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે સહ આરોપી તરીકે સંડોવાયેલા સરફરાજ ઉર્ફે સુફ રશુલભાઈ જુણેજાને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ મુખ્ય આરોપી સાથે મળીને રેકર્ડ રૂમમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને ચોરી કરાયેલા દસ્તાવેજો તેમજ અન્ય સંભવિત સંડોવણી અંગે તપાસ આગળ ધપાવી રહી છે. સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ચૌહાણ, પી.એસ.આઈ. જે.આર. ધાધલ તથા ગંગાજળિયા પોલીસ સ્ટેશનની ડિટેક્શન ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

રિલેટેડ ન્યૂઝ