વલ્લભીપુર નજીક નવાણીયા ગામેથી રૂ. 2.86 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ભાવનગર જિલ્લા ના વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. ગઢવી તથા સ્ટાફે નવાણીયા ગામે રહેણાંક મકાન પર દરોડો પાડીને કુલ રૂ. 2,86,716/- ની કિંમતનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત થતી માહિતી મુજબ વલ્લભીપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એચ.એચ. દવે તથા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે, નવાણીયા ગામે રહેતા સુનીલભાઇ નિતેશભાઇ વલાણીયા, પચ્છેગામના વિરેન્દ્રસિંહ ઉર્ફે ભોલો વનરાજસિંહ ગોહિલ તથા કંથારીયાના નરેશ ઉર્ફે નરો બાબુભાઇ દલસાણીયાએ સંયુક્ત રીતે સુનીલ વલાણીયાના નવાણીયા ગામ સ્થિત રહેણાંક મકાનના ફળિયામાં દારૂનો જથ્થો છુપાવ્યો છે. બાતમીના આધારે વલ્લભીપુર પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પ્રોહિબિશન રેઇડ કરી હતી. પોલીસે તપાસ કરતા મકાનના ફળિયામાં બનાવેલા ફરજામાં કડબના પુળાની નીચે સંતાડી રાખેલો સીલપેક ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી અલગ-અલગ કંપનીની 180 ખકની કુલ 1,866 નંગ સીલપેક બોટલો (કિંમત રૂ. 2,79,900/-) તથા 750 ખકની 12 નંગ બોટલો (કિંમત રૂ. 6,816/-) મળીને કુલ 1,878 નંગ બોટલો કબ્જે કરી હતી. જો કે, રેઇડ દરમિયાન ત્રણેય આરોપીઓ પોલીસને ઘટનાસ્થળે મળી આવ્યા નહોતા. પોલીસના જણાવ્યા અનુસાર, ફરાર ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં વિરેન્દ્રસિંહ ઉર્ફે ભોલો અગાઉ વેળાવદર અને વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને મારામારી સહિતના 5 ગુનાઓમાં, નરેશ ઉર્ફે નરો અગાઉ વલ્લભીપુર અને શિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને આઇપીસી હેઠળના 3 ગુનાઓમાં, જ્યારે સુનીલ વલાણીયા વલ્લભીપુર પોલીસ મથકમાં મારામારીના ગુનામાં સંડોવાયેલો છે. હાલ પોલીસે ત્રણેય બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટની અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધી તેમને વોન્ટેડ જાહેર કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી માં વલ્લભીપુરના ઇન્ચાર્જ પી.આઈ. એ.કે. ગઢવી, એ.એસ.આઈ. હેમાબેન એચ. દવે, હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ, તેમજ પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વિક્રમસિંહ, વિજયસિંહ નિર્મળસિંહ, રાજુભાઇ જીવાભાઇ, જયપાલસિંહ ભુપતસિંહ અને યુવરાજસિંહ બેસુભા જોડાયા હતા.

રિલેટેડ ન્યૂઝ