ભાવનગર મહાનગરપાલિકામાં પદાધિકારીઓ હવે સુપર પાવર

સંગઠનનો દબદબો ખતમ

રાજ્યના સ્થાનિક સ્વરાજ્યના રાજકારણમાં એક મોટા અને મહત્વપૂર્ણ રાજકીય ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. મહાનગરપાલિકાઓમાં અત્યાર સુધી જે નિર્ણયો પર ભાજપ સંગઠનનો દબદબો રહેતો હતો, તે વ્યવસ્થામાં હવે મોટો બદલાવ આવી રહ્યો છે. રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપ સંગઠનને હાંસિયામાં ધકેલીને કોર્પોરેશનના પદાધિકારીઓ અને સભ્યોને જ સર્વેસર્વા બનાવવાનો નિર્ણય પ્રદેશ કક્ષાએથી લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. આ નવા બદલાવને કારણે એજન્ડા માટે પદાધિકારીઓને સંપૂર્ણ સ્વતંત્રતા મળશે, પરંતુ બીજી તરફ પક્ષમાં અનુશાસન પડી ભાંગવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ કાબૂમાં રહે અને પ્રજાલક્ષી કાર્યો યોગ્ય રીતે થાય તે માટે રાજકીય સંગઠનનો હાથ ઉપર રહેતો હોય છે. વર્ષોથી એવી પરંપરા રહી છે કે સ્ટેન્ડિંગ કમિટી અને સાધારણ સભાના તમામ કાર્યો મંજૂર કરતા પહેલા ભાજપ સંગઠન સાથે સંકલન સાધીને જ નિર્ણય લેવાતો હતો. પરંતુ હવે આ નવો ચીલો ચીતરવામાં આવતા, મહાનગરપાલિકાના પદાધિકારીઓને જ સર્વોચ્ચ સત્તા સોંપવામાં આવી છે. આ નિર્ણયથી કોર્પોરેશન પરથી પાર્ટીનો કંટ્રોલ જ નહિ રહે અને ’હાથમાં એના મોમાં’ જેવી સ્થિતિ સર્જાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કોઈ સભ્ય પાર્ટીને નુકસાનકર્તા નિર્ણય લેશે, તો પણ તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં પક્ષના હાથ ટૂંકા પડશે અને પદાધિકારીઓ પોતાની મનમાની કરી શકશે તેવી ભીતિ પણ રાજકીય વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં
101 કરોડના વિકાસ કામો
સહિત 142 કાર્યોને બહાલી
બીજી તરફ, ભાવનગર મહાનગરપાલિકાની નવનિયુક્ત સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક ચેરમેન કિશનભાઈ મહેતાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં ભાવનગર શહેરના વિકાસ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં કુલ રૂ. 101 કરોડના વિકાસ કાર્યો સહિત 142 જેટલા કાર્યોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
વેરા મુક્તિની મર્યાદામાં વધારો: શહેરમાં રહેણાંકની મિલકતો ધરાવતી વિધવા બહેનોને જે મિલકત વેરામાંથી મુક્તિ આપવામાં આવતી હતી, તેની વાર્ષિક આવક મર્યાદા અગાઉ માત્ર રૂ. 36,000 હતી. આ મર્યાદામાં માતબર વધારો કરીને હવે રૂ. 1.50 લાખ કરવામાં આવી છે, જેથી વધુમાં વધુ વિધવા બહેનોને આ યોજનાનો લાભ મળી શકશે.
શહેરી પરિવહન (ઈ-બસ પાસ) માં મોટી રાહત: સામાન્ય નાગરિકો અને દિવ્યાંગો માટે ઈ-બસના માસિક, ત્રિમાસિક અને અર્ધવાર્ષિક પાસના દરોમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. સામાન્ય નાગરિકો માટે બસમાં માસિક 500 માંથી ઘટાડી રૂ.300 અને દિવ્યાંગજનો 350 માંથી ઘટાડીરૂ.100 ના દર મંજૂર કરવામાં આવ્યા છે. આ ઠરાવ હજુ સાધારણ સભામાં મંજૂરી માટે મોકલાશે.

રિલેટેડ ન્યૂઝ