ભાવનગર મેડીકલ કોલેજોમાં રેગીંગ 13 જુ.તબીબોને સિનિયરોની જોહુકમી

ઓનલાઇન ફરીયાદ થતા તપાસ કમીટી દોડતી થઇ, દર મહિને અઢી લાખની ખંડણી: દારૂય મંગાવાતો: આખી રાત્રી એક પગે ઉભા રખાતા !

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં ફરી એકવાર રેગિંગની શરમજનક અને ચકચારી ઘટના પ્રકાશમાં આવતા તબીબી આલમ સહિત સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામી છે. કોલેજના ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 13 જેટલા જુનિયર રેસિડન્ટ તબીબોને છેલ્લા પાંચેક મહિનાથી દ્વિતીય વર્ષના 6 સિનિયર રેસિડન્ટ તબીબો દ્વારા માનસિક અને અમાનવીય શારીરિક ત્રાસ આપી આકરી તાલિબાની સજાઓ અપાતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ મામલે પીડિત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી ઓનલાઇન ફરિયાદના આધારે મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ સ્કવોર્ડ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરની સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગમાં આ સમગ્ર કાળી કરતૂત ચાલી રહી હતી. નામ ન આપવાની શરતે ભોગ બનનાર જુનિયર તબીબોએ પોતાનો રૂંવાડા ઊભા કરી દે તેવો ત્રાસ વર્ણવતા જણાવ્યું હતું કે, સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા તેઓની પાસેથી દર મહિને અઢી લાખ રૂપિયા પડાવવામાં આવતા હતા અને વિદેશી દારૂની બોટલો મંગાવવામાં આવતી હતી. આટલું જ નહીં, રાત્રિના સમયે જુનિયરોને કુકડા બનાવવામાં આવતા અને આખી રાત એક પગે ઊભા રાખવાની ક્રૂર સજા અપાતી હતી. તબીબોને ટ્રોમા સેન્ટરની બહાર નીકળવા પર પ્રતિબંધ હતો તેમજ જમવા અને સુવાનો પૂરતો સમય પણ આપવામાં આવતો ન હતો. અત્યંત ગંભીર બાબત એ છે કે, એક્સ-રે વિભાગમાં ફરજ દરમિયાન રેડિયેશનથી બચવા માટેનું જરૂરી ’લેડ એપ્રન’ પણ પહેરવા દેવામાં આવતું ન હતું, જે તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. હદ તો ત્યારે થઈ જ્યારે છેલ્લા 15 દિવસથી જુનિયર તબીબોને ન્હાવા સુદ્ધા દેવામાં આવ્યા ન હતા.
આ અમાનવીય ત્રાસથી કંટાળીને આખરે તમામ 13 જુનિયર તબીબોએ હિંમત એકઠી કરી લેખિત અને ઓનલાઇન ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મળતા જ કોલેજ પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે અને એન્ટી રેગિંગ સ્કવોર્ડના સભ્યોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસના ભાગરૂપે અત્યાર સુધીમાં ભોગ બનનાર તમામ 13 જુનિયર તબીબોના વિગતવાર નિવેદનો નોંધી લેવામાં આવ્યા છે, જ્યારે આજે આરોપી એવા 6 સિનિયર રેસિડન્ટ તબીબોને પણ પૂછપરછ માટે બોલાવી તેમની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગનો આ પ્રથમ કિસ્સો નથી. આ પૂર્વે વર્ષ 2023 અને 2025માં પણ આવી જ ગંભીર રેગિંગની ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેમાં દોષિત સાબિત થયેલા તબીબો સામે કડક પગલાં ભરી તેઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. આ ઇતિહાસ છતાં ફરી એકવાર આવી શરમજનક ઘટનાનું પુનરાવર્તન થતાં કોલેજ તંત્રની સુરક્ષા અને દેખરેખ સામે અનેક સવાલો ઊભા થયા છે. ભોગ બનનાર જુનિયર તબીબોએ આ મામલે તટસ્થ તપાસ કરી દોષિત સિનિયરો સામે કડકમાં કડક ન્યાયાત્મક અને શિસ્તભંગના પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.
એન્ટી રેગિંગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડો.ચિન્મય શાહે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં અમારી પાસે એક ઓનલાઈન ફરિયાદ આવી હતી. ઓર્થોપેડિક ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે, અમને અલગ અલગ રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. જેવા કે ઘણી બધી વાર લખવા આપવામાં આવે, મુરઘા બનાવવામાં આવે, ઉપરાંત કોઈને કોઈ ઇવેન્ટ બાબતે ખર્ચો કરવામાં આવે એટલે આ બધી બાબતને લઈ અને તેઓએ ફરિયાદ કરેલી હતી. એટલે નેશનલ મેડિકલ કમિશન (ગખઈ)ના નોમ્ર્સ પ્રમાણે એન્ટી-રેગિંગ સ્ક્વોડને તેઓની ઇન્ક્વાયરી શરૂ કરી છે. તેઓની ઇન્ક્વાયરી પણ પૂર્ણ થઈ ગઈ છે. અને તેઓના નિવેદન લેવાઈ ગયા છે. ત્યારબાદ છ વિદ્યાર્થીઓ જેના નામ એ પ્રથમ ફરિયાદમાં આવ્યા, તેઓને પણ બોલાવવામાં આવેલા છે અને તેઓની પાસેથી પણ નિવેદન લીધા છે.

દોષિતો સામે થશે કડક કાર્યવાહી: આરોગ્ય મંત્રી
ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગ સાથે સંકળાયેલી રેગીંગની ઘટનાને રાજ્ય સરકાર દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. આ મામલે આરોગ્ય રાજ્યમંત્રી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ તાત્કાલિક નોંધ લઈ સંબંધિત સત્તાધિકારીઓને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને તથ્ય આધારિત તપાસ કરી વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી છે. ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના 6 વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મેડિકલ કોલેજના ડીનશ્રી તેમજ એન્ટી-રેગીંગ કમિટીને તાત્કાલિક તપાસ હાથ ધરી સમગ્ર હકીકતો સરકાર સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.રાજ્ય સરકાર વિદ્યાર્થીઓની સુરક્ષા, માન-મર્યાદા અને શૈક્ષણિક હિતોના રક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ભયમુક્ત, સુરક્ષિત અને સંસ્કારપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.રેગીંગ જેવી અમાનવીય, અસંવેદનશીલ અને અસ્વીકાર્ય પ્રવૃત્તિઓ માટે રાજ્યમાં કોઈ સ્થાન નથી. તપાસમાં જે કોઈ દોષિત ઠરશે તેમની સામે કાયદાકીય જોગવાઈઓ મુજબ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ