ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગકાંડના 7 સિનિયર ડોક્ટર ફરાર

આરોપી તબીબોને ઝડપી લેવા પોલીસ મેદાને

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ ની રેગિંગની ઘટના માં .હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વર્ષના 13 જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો પર શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારવાના આક્ષેપ સાથે બીજા વર્ષના 7 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. ગુનો નોંધાતાની સાથે જ તમામ સાતેય આરોપી ડોક્ટરો મેડિકલ કોલેજની હોસ્ટેલ છોડીને ફરાર થઈ ગયા છે, જેમને ઝડપી લેવા માટે નિલમબાગ પોલીસે બે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો અનુસાર, ભાવનગર સરકારી મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડો. અજયભાઈ જસમતભાઈ સેંતાએ ગત 20 જૂનના રોજ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કરાયેલા આક્ષેપો મુજબ, ગત 1 માર્ચથી 14 જૂન 2026 દરમિયાન સર. ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે મુખ્ય સૂત્રધાર ડો. વીર ઉર્ફે વિરેન્દ્રસિંહ જાડેજા અને તેની ટોળકીના અન્ય 6 સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયરોનું અમાનવીય રેગિંગ કરવામાં આવતું હતું. જુનિયર ડોક્ટરો સ્નાયુના દુખાવાથી બેભાન થઈ જાય ત્યાં સુધી તેમને કલાકો સુધી ઉભા રાખવામાં આવતા હતા.
એટલું જ નહીં, રાત્રે 3 વાગ્યે બોલાવીને ઓ.ટી. અને વોર્ડની બહાર કુકડા-મૂરઘા બનાવીને તેમના ફોટા અને વીડિયો ઉતારવામાં આવતા હતા.
જુનિયર તબીબોને દિવસ દરમિયાન જમવા કે સુવા માટેનો કોઈ ફિક્સ સમય આપવામાં આવતો ન હતો અને જો કોઈ જુનિયર સુતા કે જમતા ઝડપાય તો તેને જાહેરમાં અપશબ્દો બોલી, ઉઠક-બેઠક કરાવીને માર મારવાની ધમકીઓ અપાતી હતી. આ ઉપરાંત શૈક્ષણિક સજાના ભાગરૂપે એકની એક વસ્તુ 1,000થી વધુ વખત લખવાની ફરજ પાડવામાં આવતી હતી. આ અમાનવીય ત્રાસથી કંટાળેલા જુનિયર તબીબોએ આખરે પ્રશાસનને જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ફરિયાદી પક્ષ દ્વારા પોલીસને આ અત્યાચારના મજબૂત પુરાવા રૂપે વીડિયો ફૂટેજ અને મોબાઈલ સ્ક્રીનશોટ્સ પણ સોંપવામાં આવ્યા છે.
નિલમબાગ પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસના મુખ્ય આરોપી અને લીડર ડો. વીર ઉર્ફે વિરેન્દ્રસિંહ જાડેજા (રહે. ધ્રોલ, જામનગર) ઉપરાંત ડો. જયંત દેવાણી (રહે. રાજસ્થાન), ડો. પ્રવીણ વર્મા (રહે. ઉત્તર પ્રદેશ), ડો. ધર્મેન્દ્ર દયાળ (રહે. ભાવનગર), ડો. વિશાલ ડાભી (રહે. ઘોઘા, ભાવનગર), ડો. અમન વર્મા અને ડો. દિવ્ય મોદી (રહે. ભરૂચ) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલમાં આ સાતેય સસ્પેન્ડેડ ડોક્ટરો પોલીસ નોટિસની બજવણી પૂર્વે જ ફરાર થઈ ગયા હોઈ, પોલીસની બે ખાસ ટીમો દ્વારા અલગ-અલગ રાજ્યો અને જિલ્લાઓમાં તેમના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ