રૂ. 1.36 લાખનો મુદ્દામાલ જપ્ત: આરોપીઓને રીમાન્ડ પર લેવા તજવીજ
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહુવા શાકમાર્કેટ વિસ્તારમાં ખરીદી કરવા આવેલી મહિલાઓની નજર ચૂકવી, તેમણે તેડેલા માસૂમ બાળકોના ગળામાંથી સોનાના પેન્ડન્ટ સેરવી લેતી રીઢો ગુનેગાર જોડીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસ ટીમે બે આરોપીઓની ધરપકડ કરી સોનાના દાગીના અને ચોરીમાં વપરાયેલી લક્ઝરી કાર સહિત કુલ રૂ. 1,36,500/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મળતી વિગતો અનુસાર ભાવનગર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ સરવૈયા તથા પોલીસ સબ ઇન્સ. આર.એ. વાઢેરની ટીમ મહુવા સીટી અને ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વડલી ચોકડી પાસે એક શંકાસ્પદ મારુતિ અલ્ટો કાર (નંબર ૠઉં-07-અૠ-6873) ઉભેલી છે, જેમાં એક પુરુષ અને એક સ્ત્રી બેઠેલા છે અને તેમની પાસે સોનાના શંકાસ્પદ દાગીના છે.
બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડી કારમાં સવાર વિક્રમભાઇ નાનુભાઇ વાઘેલા (ઉં.વ. 22, ધંધો-મજુરી) અને સંગીતાબેન વિક્રમભાઇ વાઘેલા (ઉં.વ. 20, ધંધો-ઘરકામ) (બંને રહે. શક્તિનગર, પાલીતાણા, જી. ભાવનગર)ની અટકાયત કરી હતી. તેમની તલાશી લેતા તેમની પાસેથી સોનાના અલગ-અલગ આકારના 4 પેન્ડન્ટ મળી આવ્યા હતા. દાગીના અંગેના આધાર-પુરાવા કે બિલ માંગતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.પોલીસની સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે, ગત તા. 22/6/2026ના રોજ બપોરના સમયે મહુવા શાકમાર્કેટ પાસેની બજારમાં ભીડનો લાભ લઈ, ખરીદી કરી રહેલી બે મહિલાઓએ તેડેલા બાળકોના ગળામાંથી સોનાના પેન્ડન્ટ નજર ચૂકવીને ચોરી લીધા હતા અને ત્યારબાદ તેઓ પોતાની ફોર-વ્હીલર કારમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 11,000/-ની કિંમતનું સોનાનું રૂદ્રાક્ષના પારાવાળું પેન્ડન્ટ (વજન 780 મિલીગ્રામ), 5,000/-નું સોનાનું પેન્ડન્ટ (વજન 250 મિલીગ્રામ), 10,250/-ની કિંમતનું બીજું સોનાનું રૂદ્રાક્ષવાળું પેન્ડન્ટ (વજન 620 મિલીગ્રામ), 10,250/-નું સોનાનું ઓમકાર આકારનું પેન્ડન્ટ (વજન 620 મિલીગ્રામ) તેમજ ગુન્હામાં વપરાયેલી રૂપિયા 1,00,000/-ની કિંમતની મારુતિ અલ્ટો કાર મળી કુલ રૂ. 1,36,500/-નો મુદ્દામાલ શકપડતી મિલકત તરીકે કબ્જે કર્યો છે. આરોપીઓની ચોરી કરવાની વિશિષ્ટ મોડસ ઓપરેન્ડી બજારમાં બાળકોને તેડીને ફરતી મહિલાઓને ટાર્ગેટ કરવાની હતી. આ સફળ કામગીરી બદલ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આરોપીઓનો કબ્જો આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે મહુવા પોલીસને સોંપવામાં આવ્યો છે. આ કામગીરી માં એલ.સી.બી.ના પી.એસ.આઇ. વી.સી. જાડેજા, પી.ડી. ઝાલા તથા સ્ટાફના દિલુભાઇ આહિર, અશોકભાઇ ડાભી, શૈલેષભાઇ રાઠોડ જોડાયા હતા.
