રૂા.10.67 લાખના મુદ્દામાલ સાથે સુરતનો શખ્સ ઝડપાયો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેટ્રોલ-ડીઝલ સિવાયના ગેરકાયદેસર જવલનશીલ પ્રવાહીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે હાઇ-વે પર રેડ પાડીને 11,337 લીટર શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી, વાહનોમાં ફ્યુલ ભરવાના ડિસ્પેન્સર યુનિટ સહિત કુલ રૂ. 10,67,308/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આ મામલે એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર, ભાવનગર રેન્જના આઇ.જી. રાજેન્દ્ર વી. અસારી તથા ભાવનગર એસ.પી. નિતેશ પાંડેય દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા આપેલી સખત સૂચના અન્વયે એલ.સી.બી.ના પી.આઈ. મયુરધ્વજસિંહ એમ. સરવૈયા અને પી.એસ.આઈ. આર.એ. વાઢેર સહિતની ટીમ ઉમરાળા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ભાવનગર-રાજકોટ હાઇ-વે પર ધરવાળા ગામના પાટીયા પાસે, મઢુલી હોટલની સામે આવેલા ‘દેવ ઓટો ગેરેજ એન્ડ સર્વિસ સ્ટેશન’ના કમ્પાઉન્ડમાં એસ્સાર કંપનીના નામે વાહનોમાં ફ્યુલ ભરવાનું મશીન (ડિસ્પેન્સર યુનિટ) લગાવીને, ભૂગર્ભ ટાંકામાં પેટ્રોલ કે ડીઝલ સિવાયનું કોઈ શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી રાખી તેનું ગેરકાયદે વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે ઘટનાસ્થળે દરોડો પાડતા ત્યાં હાજર જગદિશભાઇ ગીરધરભાઇ કાકડીયા (ઉં.વ. 32, રહે. સાંઇ રેસીડન્સી, કામરેજ વાવ ચાર રસ્તા, સુરત, મૂળ રહે. મોટા બારમણ, તા. ખાંભા, જી. અમરેલી) નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર તપાસ કરતા લોખંડના ભૂગર્ભ ટાંકામાંથી રૂ. 9,52,308/- ની કિંમતનું 11,337 લીટર જવલનશીલ પ્રવાહી મળી આવ્યું હતું. આ ઉપરાંત ફ્યુલ ભરવાનું એસ્સાર કંપનીનું ચાલુ ડિસ્પેન્સર યુનિટ (કિંમત રૂ. 90,000/-) અને ડીઝલ-પેટ્રોલ લખેલું અન્ય એક બંધ હાલતનું ડિસ્પેન્સર યુનિટ (કિંમત રૂ. 25,000/-) મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ સીલ કરી આરોપી વિરૂદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરી છે. આ પ્રવાહી ક્યાંથી લાવવામાં આવતું હતું અને તેનો સપ્લાય કોને કરાતો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
