બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી હટાવી શિક્ષણ તરફ વાળવામાં આવ્યા
તાજેતરમાં રાજ્યમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યને ’બાલ ભિક્ષુક મુક્ત’ બનાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ અભિયાનના મૂળ ભાવનગરના એક પ્રશંસનીય પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. ગોલ્ડ મેડાલિસ્ટ આર્ટિસ્ટ પૂજા પંડિત જાની, જેમના માતા-પિતા એક ઉમદા શિક્ષક અને આચાર્ય હતા, તેમણે છેવાડાના અને શિક્ષણથી વંચિત એવા બાળકોને શિક્ષણ આપવાના પોતાના સ્વખર્ચે તમામ પ્રયત્નો શરૂ કર્યા હતા. વર્ષ 2018થી ભાવનગરમાં ભિક્ષુક બાળકોને સમજાવીને શિક્ષણ પ્રત્યે સજાગ કરવાના વિવિધ નૂતન પ્રયોગો હાથ ધરવામાં આવ્યા હતા. તેમના આ ભગીરથ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 82 જેટલા બાળકોને ભિક્ષાવૃત્તિની ગર્તામાંથી મુક્ત કરાવીને શિક્ષણ અર્થે શાળાએ જતા કરવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ભિક્ષાવૃત્તિ કરતા બાળકના ઘરમાં પાણી, યુનિફોર્મ, ખાનગી શિક્ષક (પ્રાઇવેટ ટીચર), તેમજ શાળાએ આવવા-જવા માટે રીક્ષા જેવી મહત્વની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. આ ઉપરાંત સાયકલો, પુસ્તકો અને આખી સ્કૂલ બનાવીને એક ઉમદા શિક્ષક તરીકેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. પૂજાબેને પોતાની સ્મૃતિમાં આ સેવાકાર્ય હાથ ધરીને સમગ્ર ભાવનગરને ભિક્ષુક મુક્ત કરવાની પહેલ કરી હતી. આ કામગીરી અંતર્ગત દરેક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પોલીસ વાન સાથે લઈ જઈને દરેક બાળકનું વ્યક્તિગત કાઉન્સિલીંગ કરવામાં આવતું હતું અને તેમના સુધી શિક્ષણ પહોંચાડવાના સકારાત્મક પ્રયત્નો કરાયા હતા. આ સફળ મોડેલના પડઘા હવે ગૃહ મંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચતા તેના રાજ્યવ્યાપી અમલીકરણની શરૂઆત થઈ છે, જે ભાવનગર માટે ગૌરવની વાત છે. પૂજા પંડિત જાની એ ભાવનગરમાં 87 બાળકોને ભિક્ષાવૃત્તિ માંથી શિક્ષણ તરફ વાળ્યા છે.
ગત મે મહિનામાં પૂજાબેનના આ પ્રેરણાદાયી સેવાકાર્યની માહિતી ભાવનગરના સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાં પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક પગલાં લેતાં 8 જૂનના રોજ સ્વર્ણિમ સંકુલમાંથી પૂજાબેનને ફોન આવ્યો હતો અને આખો પ્રોજેક્ટ ત્યાંની ઓફિશિયલ ટીમને રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પ્રોજેક્ટની ગંભીરતા અને તેની સકારાત્મકતાને સમજીને તાત્કાલિક ધોરણે ભિક્ષુક બાળકો માટે કડક અને માનવીય પગલાં લઈને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને તેને રાજ્ય સ્તરે લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો.
અપેક્ષિત પરિણામો અને થનારા લાભો
સામાજિક પરિવર્તન: બાળકો પાસે ભીખ મંગાવવાની વર્ષો જૂની કુપ્રથાને નિરુત્સાહિત કરવી. આ ચક્રને તોડીને વારસાગત ચાલી આવતી ભિક્ષાવૃત્તિનો કાયમી અંત લાવી શકાશે. ગુનાખોરીમાં ઘટાડો: નાનપણથી જ બાળકોને સકારાત્મક, શૈક્ષણિક અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાથી ભવિષ્યમાં ગુનાખોરીના દરમાં મોટો ઘટાડો કરવામાં મદદ મળશે. રેકેટ પર નિયંત્રણ: બાળકોની તસ્કરી (ચાઇલ્ડ ટ્રાફિકિંગ) અને બળજબરીપૂર્વક ભીખ મંગાવવાના ગેરકાયદેસર નેટવર્કને તોડી શકાશે.
અમલીકરણના વિવિધ તબક્કાવાર પગલાં
પોલીસ સંકલન: ભીખ માંગવાની વધુ સંભાવના ધરાવતા સંવેદનશીલ વિસ્તારોમાં કડક દેખરેખ રાખવી અને બાળકોના પુનર્વસન માટે પોલીસ વિભાગ સાથે સંકલન સાધીને કામગીરી કરવી.માતા-પિતાનું સશક્તિકરણ: ભીખ માંગવાના વ્યવસાયમાં રોકાયેલા બાળકોના માતા-પિતાને આજીવિકાની નવી તકો (જેમ કે હાથગાડી આપવી કે શેરીમાં વસ્તુઓ વેચવાની વ્યવસ્થા કરવી) પૂરી પાડવી જેથી તેઓ સન્માનભેર જીવી શકે.શિક્ષણ અને દસ્તાવેજીકરણ: રેકોર્ડ વગરના રઝળતા બાળકો માટે જરૂરી ઓળખ દસ્તાવેજો (આધાર કાર્ડ વગેરે) તૈયાર કરવા, તેમને સરકારી શાળાઓમાં દાખલ કરવા અને શિક્ષણમાં નડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે વધારાની સહાયની વ્યવસ્થા કરવી. મૂળભૂત સુવિધાઓ: બાળકોને નિયમિત શાળાએ લાવવા અને લઈ જવા માટે પરિવહન (રીક્ષા સેવાઓ) પૂરી પાડવી. આ સાથે જ તેમના ઘરોમાં પીવાના શુદ્ધ પાણીની તેમજ નહાવા અને સ્વચ્છતા માટેની તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવી.આ પ્રોજેક્ટ આગામી સમયમાં ગુજરાતને બાળ ભિક્ષુક મુક્ત બનાવવામાં અને વંચિત બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં માઇલસ્ટોન સાબિત થશે.
