ભાવનગર જિલ્લામાં ‘નમો સ્વચ્છતા અભિયાન’નો જિલ્લા કક્ષાએ શુભારંભ

7 મી સુધી દરરોજ ખાસ કાર્યક્રમ યોજાશે

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં તા. 1 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન યોજાનાર “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત ભાવનગર જિલ્લાના જિલ્લા કક્ષાના કાર્યક્રમનો શુભારંભ સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે આવેલી ગવર્નમેન્ટ નર્સિંગ કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. રાજ્ય સરકારના આ અભિયાનનો હેતુ તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા, દર્દી સુરક્ષા, ચેપ નિયંત્રણ તથા ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાનો છે.
રાજ્યકક્ષાના કાર્યક્રમનું ગાંધીનગરથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તથા આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેનું ભાવનગર જિલ્લાના ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ નિહાળ્યું હતું.
રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે નિમિત્તે મુખ્યમંત્રીએ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને તમામ હેલ્થકેર પ્રોફેશનલ્સની નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સ્વચ્છતાને સ્વભાવ બનાવવાની, જ્યારે આરોગ્ય મંત્રીશ્રીએ સ્વચ્છતાને દૈનિક જીવનની ટેવ બનાવવાની અપીલ કરી હતી.સાથે સ્તનપાન પર વિશેષ ધ્યાન આપતો અને તેના મહત્વ ને સમજાવતો “અમૃતપાન અભિયાન” નો પણ શુભારંભ કરવામા આવ્યો હતો અને વિશેષરૂપે તૈયાર કરાયેલ પુસ્તિકા અને ફ્લિપચાર્ટનુ લોન્ચીગ કરવામા આવ્યુ હતુ.
આ પ્રસંગે મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાએ પોતાના સંબોધનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો.
રિજનલ ડેપ્યુટી ડિરેક્ટર ડો. હરેશ વાળાએ દરેક આરોગ્ય સંસ્થામાં સ્વચ્છતા માટે સમર્પિત ટીમોની રચના કરી નિયમિત સુપરવિઝન અને મોનિટરિંગ દ્વારા અભિયાનને અસરકારક રીતે અમલમાં મૂકવા ઉપર ભાર મૂક્યો હતો.
મેડિકલ કોલેજના ડીન ડો. ચિન્મય શાહએ હોસ્પિટલમાં સ્વચ્છતા અને ચેપ નિયંત્રણના નિયમોનું કડક પાલન કરી દર્દીઓ હોસ્પિટલજન્ય ચેપથી સુરક્ષિત રહે તે માટે જરૂરી તમામ પગલાં નિયમિતપણે અમલમાં મૂકવાની જરૂરિયાત પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ