ભાવનગર એલસીબી પોલીસે દારૂ ભરેલ કાર સાથે શખ્સને ઝડપી લીધો

રૂા.1.71 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વરતેજ રેલવે ફાટક પાસે વોચ ગોઠવીને વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે, જ્યારે અન્ય બે આરોપીઓને ફરાર જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે. મળતી વિગત મુજબભાવનગર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ સરવૈયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન વરતેજ, રંગોલી પાર્ક સામે આવેલ રેલવે ફાટક પાસે રોડ ઉપર એલ.સી.બી. ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, અલ્પેશ મુળજીભાઇ મકવાણા (રહે. ફિલ્ટરની ટાંકી, ચિત્રા-સીદસર રોડ, ભાવનગર) પોતાની ગ્રે કલરની ઇકો કાર (રજીસ્ટ્રેશન નંબર-ૠઉં-04-ઊઅ 2117)માં બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને કરદેજ રોડ તરફ જવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ ઇકો કારને અટકાવી તલાશી લેતા, તેમાંથી “ફોર સેલ ઇન પંજાબ ઓન્લી” તથા “ફોર સેલ ઇન યુ.ટી. ચંદીગઢ ઓન્લી” માર્કિંગવાળી વિદેશી દારૂની નાની-મોટી કુલ 1,140 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 1,71,192/- થાય છે. પોલીસે સ્થળ પરથી આરોપી અલ્પેશ મુળજીભાઇ મકવાણા (ઉં.વ. 34, ધંધો-ડ્રાઇવિંગ)ને ઝડપી લીધો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ જીવણસિંગ (રહે. ઉદયપુર, રાજસ્થાન) અને ઋતુભાઇ (રહે. ટોપ થ્રી સર્કલ પાસે, ભાવનગર) હાજર મળી ન આવતા પોલીસે તેમને પકડવાના બાકી દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ દરોડા દરમિયાન રૂ. 1,71,192/- ની કિંમતની વિદેશી દારૂની 1,140 બોટલો (કુલ 32 પેટી), રૂ. 2,50,000/- ની કિંમતની મારૂતિ સુઝુકી ઇકો કાર અને રૂ. 5,000/- ની કિંમતનો એક વીવો કંપનીનો મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 4,26,192/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે પકડાયેલા આરોપીઓ વિરૂદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ સફળ કામગીરી એલ.સી.બી.ના પીએસઆઈ આર.એ. વાઢેર, પી.ડી. ઝાલા, વી.સી. જાડેજા તથા સ્ટાફના મહેન્દ્રભાઇ ચૌહાણ, અનિલભાઇ સોલંકી અને ઉમેશભાઇ હુંબલ દ્વારા કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ